<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ઝેલેન્સકી-પુતિને 1હજાર યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવાનો લીધો નિર્ણય

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી. તાજેતરમાં જ બંને દેશો ત્રણ વર્ષમાં પ્રથમ વખત પ્રત્યક્ષ રીતે શાંતિ વાર્તા યોજવા માટે સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં પુતિને પોતે આવવાના બદલે વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યા હતા, જેના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) નારાજ થયા છે. બીજીતરફ યુક્રેનના એક અધિકારીએ આક્ષેપ કર્યો છે કે, ‘તુર્કેઈમાં બે કલાક યોજાયેલી બેઠકમાં રશિયાએ અસ્વિકાર્ય માંગો મુકી છે.’ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ટ્રમ્પના પ્રયાસના ભાગરુપે જ તુર્કેઈમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. બેઠકમાં તુર્કેઈના વિદેશમંત્રી હકાન ફિદાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:08 PM IST)