<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વડગામમાં નકલી પોલીસના નામે હનીટ્રેપમાં યુવકને ફસાવ્યો : પૂર્વ સરપંચ અને પત્રકાર સહિત 3 ઝડપાયા

પોલીસ આ ટોળકીના ભૂતકાળના રેકોર્ડ અને અન્ય કોઈ યુવકો આનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર યુવકને LCB પોલીસની ખોટી ઓળખ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પીડિત યુવકે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને એક પત્રકાર અને એક માજી સરપંચ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગુનામાં સામેલ મુખ્ય મહિલા અને અન્ય એક અજાણ્યો શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

 

મળતી માહિતી મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપીને યુવક પર દુષ્કર્મનો ખોટો કેસ દાખલ કરી દેવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. આ ડરના માહોલ વચ્ચે પીડિત યુવક પાસેથી આરોપીઓએ કટકે-કટકે અંદાજે રૂ. 5 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

આ હનીટ્રેપના હાઇપ્રોફાઇલ કેસ અંગે પાલનપુરના DySP જીગ્નેશ ગામીત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓને દબોચી લેવાયા છે. ફરાર મહિલા અને અન્ય આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આ ટોળકીના ભૂતકાળના રેકોર્ડ અને અન્ય કોઈ યુવકો આનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

(7:28 PM IST)