<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

રૂમનો દરવાજો ખોલવા બાબતે થયેલ ઝગડામાં યુવકની હત્‍યા

અમદાવાદના વેજલપુર વિસ્‍તારમાં આવેલા બોયઝ પીજીમાં દરવાજો ખોલવા બાબતે થયેલી બબાલમાં એક યુવકે આવેશમાં આવીને બીજા યુવકની હત્‍યા કરી

અમદાવાદ ,તા.૧૫: અમદાવાદના વેજલપુરમાં પીજી (PG) માં નજીવી બાબતમાં એક યુવકની હત્‍યા કરવામાં આવી છે. PG માં રૂમનો દરવાજો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં બે શખ્‍સોએ ભેગા મળીને એક યુવકને ગડદાપાટુનો માર મારી પેટના ભાગે છરી મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત યુવકનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્‍યાનો ગુનો દાખલ કરી બે પીજી પાર્ટનર આરોપીઓની ધરપકડ કરી છે.

વેજલપુર વિસ્‍તારમાં સત્‍યનારાયણ સોસાયટીમાં આવેલ પીજીમાં યુવકની હત્‍યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. હિરેન સોલંકી નામનો યુવક છેલ્‍લા ત્રણેક મહિનાથી આ પીજીમાં રહેતો હતો. જ્‍યાં આરોપી મહાવીરસિહ જાદવ અને રણવીરસિહ સિધવ પણ પીજી પાર્ટનર તરીકે એક રૂમમાં રહેતા હતા. ૧૩ મેના દિવસે સવારે સાડા સાતેક વાગ્‍યાની આસપાસ હિરેનને આરોપી સાથે રૂમનો દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉગ્ર થઈને મહાવીરસિહે હિરેનને પેટના ભાગે છરી મારી દેતા તેનું મૃત્‍યુ નીપજ્‍યું હતું.

આ ઘટના વિશે એમ ડિવિઝનના એસીપી એ.બી. વાળંદે  માહિતી આપતા જણાવ્‍યું કે, પીજીમાં હત્‍યાની ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે, મહાવીરસિહની તિજોરી હિરેનની રૂમમાં પડી હતી. જેથી બનાવના દિવસે તિજોરીમાંથી સામાન લેવા માટે તેણે દરવાજો ખખડાવ્‍યો હતો. પરંતુ હિરેન સૂઈ રહ્યો હોવાથી દરવાજો ખોલ્‍યો ના હતો. જેથી મહાવીરસિહે ફોન કરીને હિરેનને જગાડ્‍યો હતો. જો કે બંન્ને વચ્‍ચે અગાઉ પણ દરવાજો ખોલવા બાબતે બોલાચાલી ઝઘડા થતા હતા.

આરોપી અને મૃતક ખાનગી નોકરી કરતા હોવાનું જાણવા મળ્‍યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(10:42 AM IST)