News of Thursday, 8th October 2026
રૂ.30 લાખની ખંડણી માટે યુવકનું અપહરણ, અડાજણ પોલીસનું મહારાષ્ટ્ર સુધી ઓપરેશન
ગણતરીના કલાકોમાં ત્રણ આરોપી ઝડપાયા : સુપા હાઇવે પરથી અપહૃત યુવકને સહીસલામત છોડાવ્યો

સુરત : અડાજણ વિસ્તારમાંથી યુવકનું કારમાં અપહરણ કરી રૂ.30 લાખની ખંડણી માગવાના ગંભીર ગુનાનો અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે પુણે-અહલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ નજીકથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી અપહૃત યુવકને સહીસલામત મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના એલ.પી. સવાણી રોડ પર મધુવન સર્કલ નજીક ટ્રીનીટી બિઝનેસ પાર્ક પાસે જાહેર રોડ પરથી ફરિયાદીના પુત્રનું ત્રણ શખ્સોએ એકબીજાની મદદથી બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં અપહરણ કર્યું હતું. યુવકને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી તેની મુક્તિ માટે પરિવારજનો પાસે રૂ.30 લાખની ખંડણીની માગણી કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને પગલે નાયબ પોલીસ કમિશનર ઝોન 5 ના એલ એ ઝાલા ના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી યુવક અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.
તપાસ દરમિયાન આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ગયા હોવાનું સામે આવતા પોલીસે તેમનો પીછો કરી પુણે-અહલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ નજીક હાઇવે પરથી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ યુવકનું અપહરણ કરી ગેરકાયદેસર અટકાયતમાં રાખી રૂ.30 લાખની ખંડણી માગ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે *રવિરાજ પાંડુરંગ પાટીલ (ઉં.વ.38), અમોલ અવિનાશ ખરમાળે (ઉં.વ.32) અને મયુર રાજેન્દ્ર શિંદે (ઉં.વ.35)**ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ પુણે, મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બ્લેક કલરની હ્યુન્ડાઇ વેન્યુ કાર (રજી. નં. MH-12-ZS-0693) તથા ચાર મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 140(3), 140(2) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે બપોરે 1:00 વાગ્યે પછી સત્તાવાર પર પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
