<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

યુવાધન પોતાની શકિતનો સદુપયોગ કરી રાષ્‍ટ્રનિર્માણમાં મહત્‍વનું યોગદાન આપી શકશેઃ આચાર્ય દેવવ્રતજી

ફોરેન્‍સી સાયન્‍સ યુનિ. ગાંધીનગરમાં નશામુક્ત યુવા અભિયાન: રાજ્યપાલે યુવાનોને આપ્‍યોઃ મોટો સંદેશ

ગાંધીનગરઃ સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી Modi) વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા અને દેશના યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત દેશભરમાં આશરે 10,000થી પણ વધુ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી 1 કરોડથી વધુ યુવાનોને આ ઝુંબેશ સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો સાથે જોડાયેલા હજારો યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાની લત અને માદક પદાર્થોના ગંભીર દુષ્પ્રભાવો વિશે જાગૃત કરવાનો છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવાનોને સ્વસ્થ, જવાબદાર અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. 'વિકસિત ભારત@2047' ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા માટે નશામુક્ત યુવાનોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે. જો દેશનો યુવા વર્ગ સશક્ત અને વ્યસનમુક્ત રહેશે, તો જ દેશ વિકાસના પથ પર ઝડપથી આગળ વધી શકશે.

નશામુક્ત યુવા કાર્યક્રમમાં યુવાનોને ખાસ સંદેશ આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, યુવાનો એ દેશનું ભવિષ્ય અને સાચી તાકાત છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું કે તેઓ વર્તમાન ભીડથી અલગ હટીને સમાજમાં એક શ્રેષ્ઠ આદર્શ સ્થાપિત કરે. યુવાનોમાં અસીમ અને વિપુલ ક્ષમતાઓ તેમજ શક્તિઓ રહેલી છે, જેને યોગ્ય અને સકારાત્મક દિશામાં વાળવી જરૂરી છે. જો યુવાધન પોતાની શક્તિનો સદુપયોગ કરશે, તો તેઓ એક આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકશે અને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

(2:30 PM IST)