News of Saturday, 4th July 2026
ખેડૂતોની સંમતિ વગર તેમની જમીન પર ખાનગી વીજ કંપનીઓનો કબજો પહેલા ખાલી કરાવો : અમિત ચાવડા
ખેડૂત આંદોલનથી ડરેલી સરકાર ખેડૂતોને લોલીપોપ આપી રહી છે : ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની વકીલાત છોડે અને ખેડૂતોને ૪ ગણું વળતર અપાવે : વીજ પોલના કારણે થતા અકસ્માત અને નુકશાનીના વળતર મામલે સરકાર જાહેરાત કરે, જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે અને તેમની માંગણીઓ નહીં સંતોષાય, ત્યાં સુધી કિસાન કોંગ્રેસ લડત ચાલુ રાખશે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુ વાઘાણી દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઈન અને વીજ ટાવર માટે ખેડૂતોને વળતર અંગે કરવામાં આવેલી જાહેરાત ખેડૂતોને ન્યાય આપતી નથી, પરંતુ વર્ષોથી ખેડૂતો સાથે થયેલા અન્યાયને ઢાંકવાનો પ્રયાસ માત્ર છે. કોંગ્રેસ વર્ષોથી ખેડૂતોને વાસ્તવિક બજારભાવ મુજબ વળતર, ખેડૂતોની સંમતિ અને સંપૂર્ણ સુરક્ષા મળે તેવી માંગ કરતી આવી છે, પરંતુ સરકારે ફરી એકવાર અડધા-અધૂરા નિર્ણયને ઐતિહાસિક ગણાવવાનો પ્રયાસ કર્યો છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જમીન ખેડૂતની છે અને તેનો ઉપયોગ ખાનગી વીજ કંપનીઓએ પોતાના નફા માટે કરવાનો છે, તો સરકાર આ ખાનગી કંપનીઓની દલાલી શા માટે કરી રહી છે? જો કોઈ ખાનગી કંપનીને ખેડૂતની જમીન જોઈએ તો તે ખેડૂત સાથે સીધો કરાર કરે, યોગ્ય ભાવ કે ભાડું નક્કી કરે અને પરસ્પર સંમતિથી વ્યવહાર કરે. સરકાર ખાનગી કંપનીઓની તરફેણમાં ઊભી રહી ખેડૂતો પર શરતો કેમ લાદે છે? ખેડૂતો વિરોધ કરે ત્યારે પોલીસ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને તેમને દબાણમાં કેમ લેવામાં આવે છે? તાજેતરમાં ખેડૂતોની સંમતિ વિના હજારો ખેડૂતોની જમીન પર ખાનગી કંપનીઓએ કબજો લઈ લીધો છે અને વીજ પોલ નાખી દીધા છે અથવા નાખવાની કાર્યવાહી ચાલુ છે સૌ-થમ તો સરકારે આ ગેરકાયદેસર કબજાને ખાલી કરાવો જોઈએ.સરકારની જાહેરાતમાં અનેક ગંભીર ખામીઓ છે, જે ઉદ્યોગપતિઓ માટે વરદાનરૂપ અને ખેડૂતો માટે અન્યાયી છે.
પ્રથમ, સરકાર માર્કેટ રેટના આધારે વળતર આપવાની વાત કરે છે, પરંતુ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને માર્કેટ રેટના બે ગણા નહીં, પરંતુ ચાર ગણા વળતર આપવામાં આવે. ખેડૂતોની જમીન પર કાયમી અસર થાય છે, તેથી સામાન્ય વળતર પૂરતું નથી. બીજું, સમગ્ર જાહેરાતમાં ર્ર્ંવાણિજ્ય જંત્રી (કોમર્શીયલ જંત્રી)નો કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સરકાર સ્પષ્ટ કરે કે વળતર રહેણાંક કે ખેતીની જંત્રીના આધારે મળશે કે વાણિજ્ય જંત્રીના આધારે? આ બાબતે મૌન રહીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્રીજું, સરકારે સૌથી મોટો મુદ્દો સંપૂર્ણપણે અવગણ્યો છે. જ્યારે કોઈ ખેડૂતના ખેતરમાંથી વીજ ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે ત્યારે માત્ર જે જમીન પર થાંભલો ઉભો થાય છે એટલું જ નુકસાન થતું નથી, પરંતુ સમગ્ર ખેતરની બજાર કિંમતમાં ભારે ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, જે જમીનની કિંમત વીજ લાઈન પહેલાં રૂા. ૫૦ લાખ હોય, તે જ જમીનની કિંમત વીજ લાઈન બાદ ઘટીને આશરે રૂા.૧૮થી રૂા.૨૦ લાખ જેટલી થઈ જાય છે. આ કાયમી આર્થિક નુકસાનના વળતર અંગે સરકારની જાહેરાતમાં કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચોથું, ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઈન પસાર થવાના કારણે ખેડૂત અને તેના પરિવાર માટે આજીવન જોખમ ઊભું થાય છે. તાર તૂટવા, થાંભલો ધરાશાયી થવો, શોર્ટ સર્કિટ થવી જેવી ઘટનાઓમાં ખેડૂતો, તેમના પરિવારના સભ્યો અથવા ખેતરમાં કામ કરતા મજૂરોના મળત્યુ થાય છે અથવા કાયમી અપંગતા સર્જાય છે. અનેક વખત ખેડૂતોનો પાક પણ સળગી જાય છે. સરકારની જાહેરાતમાં આ ગંભીર મુદ્દા અંગે એક શબ્દ પણ નથી.
કિસાન કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે આવી દુર્ઘટનામાં જો ખેડૂત, તેના પરિવારના સભ્ય અથવા મજૂરનું મળત્યુ થાય અથવા કાયમી ખોડખાંપણ સર્જાય તો સંબંધિત વીજ કંપની યોગ્ય વળતર ફરજિયાત ચૂકવવામાં આવે. ઉપરાંત, વીજ લાઈનના કારણે પાકને નુકસાન થાય તો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આ સમગ્ર સુરક્ષા યોજનાનું પ્રીમિયમ સરકાર અથવા સંબંધિત વીજ કંપની ભોગવે. તેમ શ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યું છે. (પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલ દ્વારા)
કોંગ્રેસની આ માંગો છે
(૧) ખેડૂતોની સંમતિ વગર તેમની જમીન પર ખાનગી વીજ કંપનીઓનો કબજો પહેલા ખાલી કરાવો
(ર) ખેડૂતોને માર્કેટ રેટના ચાર ગણા વળતર ચૂકવવામાં આવે.
(૩) વળતરની ગણતરીમાં વાણિજ્ય જંત્રીને આધાર બનાવવામાં આવે.
(૪) વીજ લાઈનના કારણે સમગ્ર જમીનની કિંમતમાં થતા ઘટાડાનું અલગથી સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે.
(પ) ખેડૂતોની લેખિત અને સ્વૈચ્છિક સંમતિ વિના કોઈપણ ખાનગી કંપનીને વીજ લાઈન કે વીજ ટાવર નાખવાની મંજૂરી આપવામાં ન આવે.
(૬) વીજ લાઈનના કારણે દુર્ઘટનામાં મળત્યુ અથવા કાયમી ખોડખાંપણ તથા પાકના નુકસાન સામે યોગ્ય વળતર ફરજિયાત ચૂકવવાની નીતિ બનાવવામાં આવે.
(૭) આ સુરક્ષા યોજનાનું પ્રીમિયમ સરકાર અથવા સંબંધિત વીજ કંપની ભોગવે.
(૮) અગાઉ અસરગ્રસ્ત તમામ ખેડૂતોને પણ નવા ધોરણ મુજબ પાછલી તારીખથી વળતર ચૂકવવામાં આવે.
(૯) વળતર ચૂકવવાની કાયદેસર સમયમર્યાદા નક્કી કરવામાં આવે.
(૧૦) એમઆરસીમાં ખેડૂતોના પ્રતિનિધિને માત્ર સ્થાન નહીં, પરંતુ નિર્ણય પ્રક્રિયામાં અસરકારક અને બંધનકર્તા અધિકાર આપવામાં આવે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
