<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

પશ્ચિમ રેલવેની મોટી ભેટ: ઉધના-ઉકાઈ સોનગઢ સેક્શન પર રૂ.૧૩૩ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ફોર-લેન ઓવરબ્રિજ

સુરત જિલ્લાના ટ્રાફિક જામાથી મળશે કાયમી મુક્તિ: લેવલ ક્રોસિંગ નંબર ૫૩ પર ગ્રેડ-સેપરેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રેલવે અને માર્ગ વ્યવહાર બંને બનશે સુરક્ષિત અને અવિરત

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના વિકાસને વધુ વેગ આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર સાથેના ખર્ચ-વહેંચણીના ભાગરૂપે ઉધના-ઉકાઈ સોનગઢ સેક્શન પર કિમી 62/2-4 ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નંબર 53 ના સ્થાને રૂ.૧૩૩.૨૨૯૫ કરોડના માતબર ખર્ચે ફોર-લેન રોડ ઓવર બ્રિજ (ROB) ના બાંધકામને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વર્ષોથી રાહદારીઓ અને વાહનચાલકો દ્વારા અનુભવાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ આકાશી ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અતિ આધુનિક એન્જિનિયરિંગ ધોરણે હાથ ધરવામાં આવશે, જે એક સંપૂર્ણ ફોર-લેન માળખું હશે. રેલવે બ્રિજના મુખ્ય ભાગમાં ઓપન વેબ ગર્ડર (OWG) નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો એકલાનો અંદાજિત ખર્ચ રૂ.૯૧.૬૦ કરોડ થશે. આ સ્થળ પર ક્રોસિંગ ૬૨% સ્કેવ ધરાવતું હોવાથી ડિઝાઇન અને બાંધકામની દ્રષ્ટિએ તે અત્યંત જટિલ છે, તેમ છતાં ઇજનેરોએ સલામતી અને મજબૂતાઈને સર્વોપરી રાખીને તેની રચના તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વાયાડક્ટ ભાગની કુલ લંબાઈ ૩૧૧.૫૮ મીટર (અંદાજિત ખર્ચ રૂ.૧૯.૯૮ કરોડ) અને રેલવે એપ્રોચ ભાગની લંબાઈ ૫૨૪.૩૨ મીટર (અંદાજિત ખર્ચ રૂ.૧૦.૨૫ કરોડ) રહેશે.

આ સમગ્ર પ્રોજેક્ટના નાણાકીય વ્યવસ્થાપન અંગે વાત કરીએ તો, કુલ રૂ.૧૩૩.૨૨૯૫ કરોડનો ખર્ચ ભારતીય રેલવે અને ગુજરાત સરકાર દ્વારા સમાન ધોરણે અર્ધોઅર્ધ વહેંચવામાં આવશે. જે અંતર્ગત રેલવે વિભાગ દ્વારા રૂ.૬૬.૬૧૪૭ કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સમકક્ષ રૂ.૬૬.૬૧૪૮ કરોડનું યોગદાન આપવામાં આવશે. સરકારી સહયોગ અને વહીવટી સંકલનના ઉત્તમ ઉદાહરણ સમાન આ પ્રોજેક્ટથી પ્રાદેશિક માળખાકીય સુવિધાઓને નવું બળ મળશે.

આ ફોર-લેન ROB ના નિર્માણથી રોડ ટ્રાફિકની અવરજવર અત્યંત સુગમ બનશે અને લેવલ ક્રોસિંગ પર થતા ટ્રાફિક જામ તથા રેલવે કામગીરીમાં થતો વિલંબ નાબૂદ થશે. ગ્રેડ-સેપરેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેનોની સુગમ અને સમયબદ્ધ કામગીરીને ટેકો પૂરો પાડશે, જેના પરિણામે ઉધના-ઉકાઈ સોનગઢ સેક્શન પર વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ પરિવહન સુનિશ્ચિત થશે. ભૂતકાળમાં આ સેક્શન પર સુરક્ષા અને સમયના અતિશય વ્યયની જે સમસ્યાઓ રહેતી હતી તે હવે દૂર થશે અને આધુનિક રેલવે પ્રણાલી દ્વારા મુસાફરો તથા સ્થાનિક નાગરિકોને ઉચ્ચ સ્તરીય ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનો લાભ મળશે.

 

(11:58 PM IST)