News of Tuesday, 5th May 2026
કાળઝાળ ગરમી વચ્ચે જામનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 60,000થી વધુ ઘરોમાં પાણી વિતરણ બંધ
શહેરની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ :ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે જામનગરના નાગરિકો માટે મુશ્કેલીભર્યા સમાચાર સામે આવ્યા છે. શહેરની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 60,000થી વધુ ઘરોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી શહેરમાં પાણી પહોંચાડતી 1100 mm ની મુખ્ય પાઈપલાઈનમાં ધુંવાવ પાસે મોટું લીકેજ સર્જાયું છે. સમર્પણ ESR ખાતે જૂના સંપના ડિમોલિશનની કામગીરી દરમિયાન પમ્પિંગ મશીનરીઓને શિફ્ટ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામને પગલે મનપા દ્વારા આજે પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
પાણીકાપને કારણે શહેરના મુખ્ય ચાર ઝોન પ્રભાવિત થશે:
સોલેરીયમ ઝોન: મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, શાંતિનગર અને આસપાસના વિસ્તારો.
ઘેડ ઝોન: ખડખડનગર, વિનાયક પાર્ક, જાસોલીયા સોસાયટી સહિતના વિસ્તારો.
સમર્પણ ઝોન-બી: કામદાર કોલોની, શક્તિનગર, ખોડીયાર કોલોની, મેહુલનગર વગેરે.
ગુલાબનગર અને બેડી ઝોન: વિભાપર નજીકની સોસાયટીઓ, સત્યસાંઈ નગર અને થરી-1, 2 વિસ્તારો.
મનપાના જણાવ્યા અનુસાર યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ગરમીના પારો ઊંચો હોવાથી લોકોને આજે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
