<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

પાલનપુરમાં પાણીનો વિવાદ લોહિયાળ બન્યો: સોસાયટીની મિટિંગમાં બબાલ : પાણી મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ યુવક પર લાકડી-પાઈપથી હુમલો : 3 સામે ગુનો નોંધાયો

પાણી વિતરણ અને ટાંકી સફાઈના મુદ્દે મળેલી મિટિંગમાં બે જૂથ આમને-સામને, વિક્રમ ઠાકોરને માથામાં ગંભીર ઈજા, સિવિલમાં દાખલ, પાલનપુર પશ્ચિમ પોલીસે રાજુ પ્રજાપતિ સહિત 3 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં પાણીના વિવાદમાં સોસાયટીની મિટિંગ લોહિયાળ બની હોવાની ઘટના સામે આવી છે. ગોબરી રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં શુક્રવારે રાત્રે પાણી વિતરણના મુદ્દે મળેલી મિટિંગમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.

 

પ્રાપ્ત વિગતો મુજબ, સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પ્રશ્ન વકર્યો હતો. અપૂરતા પ્રેશર અને અસમાન વિતરણને લઈને રહીશોમાં રોષ હતો. આ મુદ્દે ચર્ચા કરવા શુક્રવારે રાત્રે 9 વાગ્યે સોસાયટીના કોમન પ્લોટમાં મિટિંગ બોલાવવામાં આવી હતી.

 

મિટિંગ દરમિયાન પાણીની ટાંકી સફાઈ અને મોટર ચાલુ કરવાના સમયને લઈને વિક્રમ ઠાકોર અને રાજુ પ્રજાપતિ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો અને રાજુ પ્રજાપતિએ તેના બે સાગરીતો સાથે મળીને વિક્રમ ઠાકોર પર લાકડી અને લોખંડની પાઈપથી હુમલો કરી દીધો હતો. હુમલામાં વિક્રમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

ઘટનાની જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે વિક્રમ ઠાકોરની ફરિયાદના આધારે રાજુ પ્રજાપતિ, કમલેશ પ્રજાપતિ અને મનોજ પ્રજાપતિ એમ ત્રણેય શખ્સો સામે IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ), 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ત્રણેય આરોપી ફરાર છે.

(3:58 PM IST)