News of Saturday, 18th July 2026
સુરત સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન સંપન્ન : સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે
આગામી સમયમાં ટેક્સટાઇલ નગરી સુરતમાં વધુ ૧૦થી ૧૫ હજાર નવા એર જેટ લૂમ્સ મશીનો ધમધમશે : ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં વેપારીઓને ૮,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત

સુરત, શનિવાર: ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન’ દ્વારા ‘વિવર્સ પરામર્શ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં વધતા જતા ‘એર જેટ લૂમ્સ ઈન્ડસ્ટ્રીઝ’ના વ્યાપ, નવી ટેકનોલોજીના સ્વીકાર અને કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક સ્તરે સુરતની પકડ મજબૂત કરવાનો રહ્યો હતો.
ગુજરાતીઓના લોહીમાં વ્યાવસાયિક સફળતા, સુરત ગાર્મેટિંગ હબ બનશે:
પરામર્શ સંમેલનમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય છે, વ્યાવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એર જેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે. આ સાથે તેમણે ઉદ્યોગકારોને વેલ્યુ-એડિશન સાથે ગાર્મેટિંગ તરફ વળવા અનુરોધ કરી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેટિંગ હબ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ઉત્પાદન પર ભાર:
વૈશ્વિક બજારની સ્પર્ધા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર વિશેષ ભાર મૂકવા માટે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત 'વેલ્યુ એડિશન' સાથેના ઉત્પાદનો પર વિશેષ ધ્યાન આપવું જ પડશે.
નવા ૧૫ હજાર એર જેટ લૂમ્સ મશીનો કાર્યરત થશે:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની સાહસિકતાને મુક્ત કંઠે બિરદાવતા કહ્યું કે, સુરત હંમેશાં નવી ટેકનોલોજીને અપનાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં હાલ કાર્યરત અંદાજિત ૩૦ હજાર જેટલા અત્યાધુનિક ‘એર જેટ લૂમ્સ’ મશીનો છે. ઉદ્યોગકારોના હકારાત્મક અભિગમ અને સાનુકૂળ વાતાવરણને કારણે આગામી વર્ષમાં જ સુરતમાં વધુ ૧૦ થી ૧૫ હજાર નવા એર જેટ મશીનો કાર્યરત થઈ જશે, જે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે. આ ઉપરાંત તેમણે દેશના વિવિધ પ્રાંતોમાંથી રોજગારી અર્થે સુરત આવીને સ્થાયી થયેલા નાગરિકોના સપના સાકાર કરવા બદલ સુરતના ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારની નીતિઓ અને પ્રોત્સાહનોથી વેપારીઓને સીધો લાભ:
સરકાર હંમેશાં ઉદ્યોગકારોની પડખે હોવાની ખાતરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની સરકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના વિવર્સ સુધી પહોંચાડવામાં આવશે. સુરતના કાપડને વૈશ્વિક સ્તરે મોટું બજાર મળી રહે તે માટે આગામી સમયમાં ‘એક્સપોર્ટ ફેસિલિટેશન’ અને ‘ક્લસ્ટર ડેવલપમેન્ટ’ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રાજ્ય સરકારના પ્રોત્સાહનોની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં આઠ હજાર કરોડ રૂપિયા ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવતા MSME હેઠળ પહેલા દરરોજ ૧૭૦ ફાઇલો ક્લિયર થતી હતી, જે અત્યારે વધીને ૩૯૭ થઈ છે અને આગામી સમયમાં દરરોજ ૫૦૦ વેપારીઓને ઇન્સેન્ટિવ સીધા ડાયરેક્ટ બેંક ખાતામાં મળે તેવી મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલમાં ‘પીએમ મિત્રા પાર્ક’નું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની સૌથી મોટી ઇકો-સિસ્ટમ બનાવવાની નવી તકો ઉભી થશે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ:
આ પરામર્શ સંમેલનમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ધોળિયા, ગ્રીનલેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, ગોલ્ડી સોલરના ઈશ્વરભાઈ ધોળકિયા, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, અગ્રણી મનહરભાઈ સાચપરા, સંદિપભાઈ કેડિયા, ઔદ્યોગિક ઝોન કમિશનર જે. પી. દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના નામાંકિત અગ્રણીઓ, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતાનં
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
