<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ગાંધીનગરમાં 'જનજાતીય ગરિમા ઉત્સવ' અંતર્ગત 'AIનો આદિજાતિ વિકાસમાં ઉપયોગ' વિષય પર એક દિવસીય વિશેષ સેમિનાર યોજાયો: વહીવટી પ્રક્રિયા સુદ્રઢ કરવા AI ટેકનોલોજીના ઉપયોગ પર ભાર

આશ્રમશાળા-હોસ્ટેલના ડેઇલી મોનિટરિંગથી લઈને યોજનાઓના પ્રચાર સુધી AI બનશે માધ્યમ; આદિજાતિ વિકાસ નિયામક આશિષ કુમાર અને કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરી રહ્યા ઉપસ્થિત, 25થી 31 મે દરમિયાન 'અનસંગ હીરોઝ'નું સન્માન કરાશે

*ગાંધીનગર તા. 15 : ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં તા. 10 મે થી 09 જૂન, 2026 દરમિયાન 'જનજાતીય ગરિમા ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી-TRI દ્વારા બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AIનો આદિજાતિ વિકાસમાં ઉપયોગ’ વિષય પર એક દિવસીય વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના નિયામક આશિષ કુમારે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ બનાવવા આશ્રમશાળાઓ, સરકારી હોસ્ટેલો અને ક્લાસરૂમના ડેઇલી મોનિટરિંગ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારી વિભાગો પાસે ઉપલબ્ધ વિશાળ ડેટા સેટ્સ, લાભાર્થીઓની માહિતી અને વિદ્યાર્થીઓના ડેટાનું સચોટ એનાલિસિસ કરવા માટે AI અત્યંત ઉપયોગી સાબિત થશે.

 

નિયામકશ્રીએ ઉમેર્યું કે, સરકારી કામગીરીની ગુણવત્તા, ગતિ અને સચોટતા વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સમયની માંગ છે. AI એ માનવ શ્રમનો વિકલ્પ નથી, પરંતુ કર્મચારીઓની ક્ષમતા અને કામની સ્પીડ વધારવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને iGOT કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ AIના સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ કોર્સીસનો મહત્તમ લાભ લેવા ખાસ તાકીદ કરી હતી.

 

ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ કહ્યું હતું કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણકારી યોજનાઓના પરિણામલક્ષી પ્રભાવને છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા માટે ટેકનોલોજી એક શક્તિશાળી માધ્યમ સાબિત થશે. AIના સચોટ ઉપયોગ થકી આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને સશક્તીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી શકાશે.

 

ડૉ. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, 'જનજાતીય ગરિમા ઉત્સવ' અંતર્ગત આગામી તા. 25 થી 31 મે, 2026 દરમિયાન સામાજિક સેવા, શિક્ષણ, પરંપરાગત જ્ઞાન અને સમુદાય નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં પાયાનું પ્રદાન આપનાર 20-30 જેટલા આદિવાસી સમાજના ‘અનસંગ હીરોઝ’ની ઓળખ કરી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

 

આ સત્ર દરમિયાન IIT ગાંધીનગર અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યુટના યુવા ફેકલ્ટી નિવિદ દેસાઈ દ્વારા ‘જનરેટિવ AI’ થી અધિકારીઓને અવગત કરવામાં આવ્યા. આ ટેકનોલોજી દ્વારા આદિવાસી વિસ્તારોમાં યોજનાઓનો પ્રચાર-પ્રસાર વધારવા, તેમની પોતાની ભાષામાં સંવાદ સાધવા, સરકારી પરિપત્રો તૈયાર કરવા અને નાગરિકોના પ્રશ્નોના ત્વરિત જવાબ આપવામાં AI કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિત વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:26 PM IST)