<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપલા ખાતે શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી.

વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક તથા આચાર્યની ભૂમિકા ભજવવાની તક આપવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા; રાજપીપલા સ્થિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ શિક્ષક દિવસની ઉત્સાહભેર અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.શિક્ષક દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક તથા આચાર્યની ભૂમિકા ભજવવાની તક આપવામાં આવી હતી. આ અંતર્ગત ટી.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની બારિયા જલ્પાએ એક દિવસ માટે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમણે આચાર્ય તરીકે કોલેજની વિવિધ કામગીરી અને જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કર્યું હતું.

   તેમજ એફ.વાય., એસ.વાય. અને ટી.વાય.બી.કોમ.ના કુલ ૨૪ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ શિક્ષક તરીકેની જવાબદારી સંભાળી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વર્ગોમાં જઈને શિક્ષણકાર્ય કરાવ્યું હતું અને શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી હતી.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકના કાર્ય, જવાબદારીઓ, શિસ્ત તથા શિક્ષણકાર્યમાં આવતાં વિવિધ પડકારોનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની ઉત્તમ તક મળી હતી. શિક્ષક તરીકેની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો સૌની સમક્ષ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિક્ષકનું કાર્ય માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય છે.
વિદ્યાર્થીઓના અનુભવોને સાંભળીને સૌએ આ કાર્યક્રમની ઉપયોગિતા અને મહત્વને બિરદાવ્યું હતું. આ અનોખા આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરભાવ અને શિક્ષણ વ્યવસાય પ્રત્યેની સમજ વધુ ગાઢ બની હતી.આનંદમય વાતાવરણમાં શિક્ષક દિવસની ઉજવણી કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો તથા કાર્યક્રમનું સંચાલન પ્રા. કિંજલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના શિક્ષકગણ ડો એલ.બી.ગોહિલ, પ્રા.ક્રિષ્ના પટેલ, પ્રા.હાફિઝ કુરેશી,પ્રા. નૌરિન બલુચ તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ અજયભાઈ, હીરજભાઈ, નટુકાકા, રાવજીભાઈ અને વિદ્યાર્થીમિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો

(1:00 AM IST)