<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાભંણિયાનું મહાઅભિયાન

રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી મોટું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું: ૧૪ કેમ્પમાં ૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને સહાય: લાભાર્થીઓને શિબિરોના માધ્યમથી ૪૬ હજારથી વધુ સહાયક સાધનોની સહાય

ગાંધીનગર :વૃદ્ધાવસ્થામાં ચાલવામાં મુશ્કેલી હોય, ઓછું સંભળાતું હોય કે રોજિંદાં કામો માટે અન્ય પર નિર્ભર રહેવું પડતું હોય, ત્યારે એક નાનું સહાયક સાધન પણ જીવનમાંઘણી મોટી રાહત આપે છે. વરિષ્ઠ નાગરિકોની આ જ વેદનાને ધ્યાને રાખી ભાવનગર લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબહેન બાભંણિયા સંવેદનાપૂર્ણ અભિગમ સાથે જનસેવા અભિયાન હાથ ધર્યું છે

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક સ્થિતિ અને તબીબી મૂલ્યાંકનના આધારે નિઃશુલ્ક સહાયક સાધનો પૂરા પાડવામાં આવે છે. આ યોજના જરુરિયાતમંદ સુધી પહોંચે તે માટે  ભાવનગર-બોટાદ વિસ્તારમાં યોજાયેલા ૧૪ મૂલ્યાંકન કેમ્પમાં ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના આધારે ભાવનગર લોકસભા વિસ્તારના વિવિધ સ્થળોએ યોજાયેલી આઠ શિબિરોમાં ૮,૧૧૧ લાભાર્થીઓને કુલ ૪૬,૦૧૭ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

આ અભિયાનની વિશેષતા માત્ર આંકડાઓમાં નથી, પરંતુ વરિષ્ઠ નાગરિકોને સહાય મેળવવા માટે દૂર સુધી જવું ન પડે અને સરકારી યોજનાનો લાભ તેમના ઘરઆંગણે મળે તે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા અભિગમને અનુરૂપ ભાવનગર લોકસભા વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એક પણ પાત્ર વરિષ્ઠ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે શ્રીમતી નિમુબેન બાંભણિયાએ આ કામગીરીને મિશન મોડમાં આગળ ધપાવવા પ્રયાસ કર્યો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), સંગઠનના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ અને વિતરણની કામગીરી કરી. આ પ્રક્રિયામાં વરિષ્ઠ નાગરિકોની વ્યક્તિગત જરૂરિયાતોને ઓળખીને તેમને યોગ્ય સાધનો મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો.

આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સાધનોનું વિતરણ કરવાનો નહીં, પરંતુ વૃદ્ધાવસ્થામાં શારીરિક મર્યાદાઓને કારણે ઊભી થતી મુશ્કેલીઓ ઘટાડીને વરિષ્ઠ નાગરિકોને વધુ સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનો છે.

 

૩૦ જૂન, ૨૦૨૫થી ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ભાવનગર-બોટાદ વિસ્તારમાં ALIMCO દ્વારા ૧૪ મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વરિષ્ઠ નાગરિકોની શારીરિક સ્થિતિ અને સહાયક સાધનોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ આવકના દાખલા અને આયુષ્માન વય વંદના કાર્ડ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં કુલ ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેના આધારે ૪૫,૯૬૮ સહાયક સાધનોને મંજૂરી આપવામાં આવી હતી, જેની સ્વીકૃત કિંમત આશરે રૂ. ૭.૬૬ કરોડ હતી.

આ મૂલ્યાંકન પ્રક્રિયાથી કોને કયું સાધન જરૂરી છે તેની ઓળખ કરીને સહાયનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, લાભાર્થીની જરૂરિયાતને કેન્દ્રસ્થાને રાખીને હાથ ધરાયેલી આ કામગીરી વિતરણ અભિયાનનો પાયો બની.

રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોની વ્યક્તિગત જરૂરિયાત અને તબીબી મૂલ્યાંકનના આધારે વિવિધ પ્રકારનાં સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમાં વ્હીલચેર, કમોડ વ્હીલચેર, વૉકર, રોલેટર, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ લાકડીઓ, બગલઘોડી, શ્રવણયંત્રો, કૃત્રિમ દાંત, સીટ કુશન, કમોડ સ્ટૂલ, કમર અને ઘૂંટણ માટેના સપોર્ટ, ખભાના બ્રેસ તેમજ ગરદન અને કરોડરજ્જુ માટેનાં સપોર્ટનો સમાવેશ થાય છે.

 આઠ વિતરણ શિબિરો: ક્યાં કેટલા લાભાર્થીઓને મળ્યાં સાધનો?

આમ નિમુબહેન બાંભણિયાએ સત્તાને સેવાનું માધ્યમથી બનાવી વડીલોની સાચા અર્થમાં વંદના કરી . ભાવનગર –બોટાદ વિસ્તારમાં તેમણે યોજેલા મૂલ્યાંકન કેમ્પથી શરુ થયેલી આ સેવા યાત્રા વહીવટી સંકલન, જરૂરિયાત આધારિત સહાય અને જનસેવાના અભિગમનું મહત્વ પુન: સ્થાપિત કરે છે.  

(6:54 PM IST)