<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ગુજરાતમાં વરસાદનું અસમાન ચિત્ર :38 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ:84 તાલુકાઓમાં હજુ 50 ટકાથી ઓછો વરસાદ થયો

રાજ્યના 35 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો: 77 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ અને 116 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ

અમદાવાદ :રાજ્યમાં એકતરફ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે,બીજી તરફ અનેક ભાગોમાં હજુ પણ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં વરસાદનું અસમાન વિતરણ સામે આવ્યું છે, જેમાં રાજ્યના 38 તાલુકાઓમાં મોસમનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે 84 તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી 50 ટકા કરતા પણ ઓછો વરસાદ થયો છે.

હવામાન વિભાગ અને રાજ્યના ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા અનુસાર, રાજ્યના 35 તાલુકાઓમાં 40 ઈંચકરતા વધુ ભારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, 77 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ અને 116 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જોકે, બીજી તરફ 29 તાલુકાઓમાં 10 ઈંચથી ઓછો અને 11 તાલુકાઓમાં 5 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે, જેના કારણે ત્યાંના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

 

 

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

 

કચ્છ જિલ્લામાં સરેરાશ 5.50 ઈંચ અને પોરબંદર જિલ્લામાં પણ સરેરાશ 5.50 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસામાં પોણા બે ઈંચ, લખપતમાં અત્યાર સુધી 3 ઈંચ, જ્યારે પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

જામનગરમાં 8 ઈંચ અને પૂર્વ ગુજરાતના દાહોદમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં એક બાજુ ભારે પૂર અને જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે 84 તાલુકાઓમાં હજુ પણ સારો વરસાદ પડે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

(11:49 AM IST)