<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સંગઠનાત્મક બેઠક અને 'પ્રોફેશનલ્સ મીટ' યોજાઈ

ભાજપના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે વ્યૂહાત્મક ચર્ચા : પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યો અંગે વિસ્તૃત માહિતી અપાઈ

વડોદરા: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે વડોદરા ખાતે વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વડોદરાના ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજીને ચૂંટણીલક્ષી વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત, તેમણે 'પ્રોફેશનલ્સ મીટ' અંતર્ગત માંજલપુર વિધાનસભાના પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો.

મંત્રીઓ, સાંસદ અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ:

આ બેઠક અને સંવાદ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, રમણભાઈ સોલંકી તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગ જોશી, વડોદરા ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા, ચૂંટણીના ઉમેદવાર સતીશભાઈ પટેલ સહિત ધારાસભ્યો, પક્ષના સિનિયર આગેવાનો, અગ્રણીઓ અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ અંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે મંથન:

'પ્રોફેશનલ્સ મીટ' દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને નાગરિકો સાથે કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવતી જનકલ્યાણકારી યોજનાઓ, અભૂતપૂર્વ વિકાસકાર્યો તેમજ પ્રજાલક્ષી અને રાષ્ટ્રહિતની વિવિધ નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવવા અને પાર્ટીની નીતિઓને જન-જન સુધી પહોંચાડવા માટે સંગઠનના તમામ સ્તરેથી સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

(8:37 PM IST)