News of Thursday, 4th June 2026
કલોલના પિયજ ગામની નર્મદા કેનાલમાંથી બે મહિલા અને એક માસુમ બાળકીના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
મૃતક ત્રણેય વ્યક્તિઓ અમદાવાદના રહેવાસી અને ત્રણેય મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવતા અમદાવાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી પિયજ ગામની નર્મદા કેનાલમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિયજ ગામની નર્મદા કેનાલમાંથી એક જ પરિવારની બે મહિલાઓ અને એક માસૂમ બાળકી સહિત કુલ ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો અત્યંત શંકાસ્પદ લાગી રહ્યો છે, કારણ કે કેનાલમાંથી મળી આવેલા મૃતદેહો હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે હત્યાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, કલોલના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સ્થાનિક લોકોએ પાણીમાં તરતા મૃતદેહો જોયા હતા. આ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને ત્રણેય મૃતદેહોને કેનાલના પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
જ્યારે પોલીસ અને તરવૈયાઓએ ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા ત્યારે ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ત્રણેય મૃતકોના હાથ દોરડા અથવા કપડાથી બાંધેલી હાલતમાં હતા. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સામાન્ય આત્મહત્યા કે ડૂબી જવાનો મામલો નથી, પરંતુ તેની પાછળ કોઈ મોટું કાવતરું કે ક્રૂર હત્યાકાંડ હોઈ શકે છે.
અમદાવાદના પરિવાર તરીકે ઓળખ
પોલીસે ઘટનાસ્થળે જ પ્રાથમિક તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી, જેમાં મૃતકોની ઓળખ મેળવવામાં સફળતા મળી છે. મૃતક ત્રણેય વ્યક્તિઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
1. સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (મહિલા)
2. નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (મહિલા)
2. પહલ દીપકભાઈ પ્રજાપતિ (બાળકી)
આ ત્રણેય મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવતા અમદાવાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
