News of Thursday, 23rd April 2026
દાહોદના ગોદી રોડ વિસ્તારમાં કચરામાં લાગેલી આગે બે કારને લપેટામાં લીધી
કાર પાર્ક કરેલી હાલતમાં હોવાથી અને અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી:બંને કારના માલિકોને મોટું આર્થિક નુકસાન

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના બની છે. રસ્તા પર પાર્ક કરેલી બે કાર જોતજોતામાં આગની લપેટમાં આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે બંને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોદી રોડ વિસ્તારમાં જ્યાં કાર પાર્ક કરવામાં આવી હતી, તેની નજીક પડેલા કચરાના ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ ધીમે-ધીમે પ્રસરીને નજીકમાં પાર્ક કરેલી એક કાર સુધી પહોંચી હતી. કારમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં તેની બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની લપેટમાં આવી ગઈ હતી.
આસપાસના લોકોએ આગની જ્વાળાઓ જોતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, કાર પાર્ક કરેલી હાલતમાં હોવાથી અને અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જોકે, બંને કારના માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
