<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ઝાલોદમાં તળાવમાં કપડાં ધોવા ગયેલી 13 વર્ષની બે સગી બહેનોના ડૂબી જવાથી કરૂણ મોત

ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર વિભાગની ટીમે ભારે જહમત બાદ બંને સગી બહેનોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારના સમયે ગામના તળાવ કિનારે કપડાં ધોવા ગયેલી બે સગી બહેનોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે સમગ્ર ઝાલોદ વિસ્તારમાં અને મૃતક બહેનોના પરિવારમાં શોકની ભારે કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, 13 વર્ષીય નંદનીબેન અને રાધિકાબેન નામની બે સગી બહેનો સવારે તળાવ પર કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક એક બહેનનો પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ખાબકી હતી, જેને બચાવવા જતાં બીજી બહેન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોતજોતામાં બંને બહેનો તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી.

 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર વિભાગની ટીમે ભારે જહમત બાદ બંને સગી બહેનોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:41 PM IST)