<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

દાહોદમાં પોલીસ પરિવારમાં કરુણાંતિકા, માતાએ 7 અને 3 વર્ષના બે માસૂમ સંતાનોની હત્યા કરીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

A-ડિવિઝન પોલીસકર્મીની પત્નીએ બાળકોને ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું, ઝાયડસ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ; ઘટનાથી પોલીસ બેડામાં શોકની લહેર

દાહોદ, તા.16 : દાહોદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં A-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્નીએ પોતાના જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસકર્મીની પત્નીએ 7 વર્ષના પુત્ર અને 3 વર્ષની પુત્રીને ઝેર આપી દીધું હતું. બંને માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારબાદ મહિલાએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અને પરિવારજનો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

 

ઘટનાની જાણ થતાં જ દાહોદ DySP સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસના કારણે આ પગલું ભરાયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આત્મહત્યાના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. મહિલા ભાનમાં આવે ત્યારબાદ તેનું નિવેદન લેવામાં આવશે.

 

પોલીસ પરિવારમાં બનેલી આ કરુણાંતિકાથી સૌ કોઈ સ્તબ્ધ છે. બે માસૂમ બાળકોના મોતથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. FSL સહિતની ટીમ દ્વારા પણ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

(4:47 PM IST)