<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

હાલોલમાં આવેલા દેવ ડેમમાં નાવડી પલટી જતા 2 માછીમાર યુવાનોના કરુણ મોત

બે યુવકોની નાવડી પવનના પ્રકોપ સામે ટકી ન શકતા પાણીમાં ગરકાવ થઈ ગઈ: બંને મિત્રોના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પ્રખ્યાત દેવ ડેમ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. માછીમારી કરવા ગયેલા બે યુવકોની નાવડી પવનના પ્રકોપ સામે ટકી ન શકતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં બંને મિત્રોના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

 

હાલોલના દેવ ડેમમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં માછીમારી કરવા ગયેલા 2 યુવાનોના જળસમાધિ લેવાની ઘટનાએ પંથકને હચમચાવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રોજ બે મિત્રો માછીમારીના વ્યવસાય માટે નાવડી લઈને ડેમના ઊંડા પાણીમાં ઉતર્યા હતા. પ્રકૃતિનો ખેલ એવો રહ્યો કે તે સમયે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે નાવડી પરનું નિયંત્રણ ખોરવાઈ ગયું હતું. નાવડી પલટી ખાઈ જતાં બંને યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

 

આ બનાવની જાણ થતાં જ હાલોલ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ 26 વર્ષીય સંજયભાઈ નાયક (રહે. ધનપરી) અને 22 વર્ષીય અજીતભાઈ નાયક (રહે. નાથાકુવા) તરીકે થઈ છે. નાની ઉંમરના બે યુવાનોના મોતથી બંને ગામોમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં આજે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 PM IST)