<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

છોટાઉદેપુરના આદિવાસી કારીગરોના પરંપરાગત કૌશલ્યથી વૈશ્વિક સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ સુધી: ગુજરાતના વિકાસ મોડલમાં નવા યુગની શરૂઆત કરતું બાંબૂ આધારિત સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ

29-30 જૂનના VGRC મધ્ય ગુજરાત 2026માં રજૂ થશે છોટાઉદેપુરનું વિઝન: રમતગમત, સ્થાનિક રોજગારી અને આદિવાસી ઉદ્યોગસાહસિકતાને જોડી ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર અર્થતંત્રની નવી ગાથા લખવાની તૈયારી

ગાંધીનગર, તા. 24   : ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસનું જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. રાજ્ય સરકાર એક તરફ વિશ્વ કક્ષાની રમતગમત સુવિધાઓ બનાવી રહી છે, તો બીજી તરફ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોને રમતગમત આધારિત અર્થવ્યવસ્થા સાથે જોડવાના પ્રયાસો તેજ બન્યા છે. આ દિશામાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વિકસી રહેલું સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ રાજ્યના વિકાસ મોડલનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.

 

 

VGRC મધ્ય ગુજરાત 2026માં છોટાઉદેપુર મોડલની રજૂઆત

 

 

વડોદરાની GSFC યુનિવર્સિટીમાં 29 અને 30 જૂન, 2026 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ બાંબૂ સંસાધન, કુશળ આદિવાસી માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરવામાં આવશે.

આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી, પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. બાંબૂથી લઈને બ્રાન્ડિંગ સુધીની સંપૂર્ણ મૂલ્યશૃંખલા સ્થાનિક સ્તરે વિકસે તો છોટાઉદેપુર માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભર અર્થતંત્રનું સફળ મોડલ બની શકે છે.

 

 

છોટાઉદેપુર મોડલ: પરંપરા + ટેકનોલોજી + ટકાઉપણું

 

 

  

છોટાઉદેપુર બાંબૂ હસ્તકલા, લાકડાકામ અને પરંપરાગત કારીગરી માટે લાંબા સમયથી જાણીતું છે. હવે આ જ કૌશલ્યને આધુનિક ડિઝાઇન, ટેકનોલોજી અને વૈશ્વિક બજારની જરૂરિયાતો સાથે જોડી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે.

વિશ્વમાં પર્યાવરણમિત્ર અને ટકાઉ ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ, ટ્રેનિંગ સાધનો, આઉટડોર ગેમ્સ એક્સેસરીઝ જેવા ઉત્પાદનોમાં બાંબૂના ઉપયોગની સંભાવનાઓ વધી રહી છે. છોટાઉદેપુર મોડેલની વિશેષતા “સ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ” અને “કલ્ચરલ બ્રાન્ડિંગ”ને એકસાથે આગળ ધપાવવાની છે.

 

 

લાખો લોકોને રોજગારી, અર્થતંત્રને નવી દિશા

 

 

આ પહેલનો સૌથી મોટો લાભ સ્થાનિક યુવાનો, મહિલાઓ, કારીગરો અને સૂક્ષ્મ-લઘુ ઉદ્યોગોને મળશે. કાચા માલના સોર્સિંગથી લઈને ઉત્પાદન, ડિઝાઇન, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં સ્થાનિક લોકોની ભાગીદારી વધશે. સાથે સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વિકસાવવાનો રોડમેપ પણ તૈયાર છે.

વૈશ્વિક સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બજાર 2024માં USD 407 બિલિયન હતું અને ભારતનું બજાર 2030 સુધીમાં 13%થી વધુ વાર્ષિક વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં છોટાઉદેપુર નવું મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર બની શકે છે.

પરંપરા, કુદરતી સંસાધનો અને વૈશ્વિક બજારને જોડતું છોટાઉદેપુરનું સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ ગુજરાતના વિકાસ પ્રવાસમાં એક પ્રેરણાદાયી નવી ગાથા લખવા તરફ આગળ વધી રહ્યું છે.

(4:05 PM IST)