News of Wednesday, 3rd June 2026
બંધ પડેલી ડેરીથી આત્મનિર્ભરતાની દિશામાં : ગરૂડેશ્વર તાલુકાના જીતપુરા ગામની મહિલાઓએ લખી સફળતાની નવી ગાથા
મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની શ્રીજી મહિલા દૂધ ઉત્પાદક મંડળી:એક વર્ષમાં 15 લિટરથી 500 લિટર દૈનિક દૂધ સંગ્રહ સુધીની સફર, રૂપિયા 7 લાખની સહાયથી ચિલિંગ પ્લાન્ટ સહિત આધુનિક સુવિધાઓ પ્રાપ્ત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના જીતપુરા ગામની મહિલાઓએ સંગઠન, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમના બળે આત્મનિર્ભરતાની અનોખી ગાથા રચી છે. એક સમય એવો હતો જ્યારે ગામમાં છેલ્લા 15 વર્ષથી દૂધ ડેરી બંધ હાલતમાં હતી અને પશુપાલકોને ડેરીમાં દૂધ ભરવા માટે અન્ય ગામોમાં જવું પડતું હતું. પરંતુ એ જ જીતપુરા ગામ મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસનું પ્રેરણાદાયી કેન્દ્ર બની ગયું છે.
વર્ષ 2025ના મે મહિનામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઈનરેકા સંસ્થાના માર્ગદર્શન હેઠળ ગામના શ્રીજી સખી મંડળની મહિલાઓએ મળીને ‘શ્રીજી મહિલા દૂધ ઉત્પાદક મંડળી’ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર 15 લિટર દૂધનું જ દૈનિક સંગ્રહ થતું હતું, પરંતુ મહિલાઓએ હિંમત હાર્યા વગર સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. મહિલાઓને દૂધ વ્યવસાય અંગે વધુ સમજ અને પ્રેરણા મળે તે માટે દૂધધારા-ભચરવાડા ચિલિંગ પ્લાન્ટનો પ્રેરણાપ્રવાસ પણ યોજવામાં આવ્યો હતો. મળેલા માર્ગદર્શન અને તાલીમના પરિણામે ડેરીની કામગીરીમાં સતત વધારો થવા લાગ્યો. આજે આ મહિલા મંડળીનું દૂધધારા ડેરી(ભચરવાડા પ્લાન્ટ) સાથે સત્તાવાર રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. ડેરીમાં દૈનિક દૂધ સંગ્રહ 500 લિટર સુધી પહોંચી ગયો છે. ડેરીની વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી શ્રીજી મહિલા દૂધ ઉત્પાદક મંડળીએ દૂધધારા પાસે ચિલિંગ પ્લાન્ટ, ફેટ મશીન અને કોમ્પ્યુટરની માંગણી કરી હતી. મહિલાઓની કામગીરી અને સમર્પણને માન્યતા આપતાં દૂધધારા-ભચરવાડા દ્વારા આશરે રૂપિયા 7 લાખની કિંમતની સહાયરૂપે ચિલિંગ પ્લાન્ટ, જનરેટર, ફેટ મશીન, કોમ્પ્યુટર અને પ્રિન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આધુનિક સુવિધાઓના ઉમેરાથી હવે ડેરીની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બની છે. હાલ જીતપુરા સહિત આસપાસના 6 ગામોના પશુપાલકો અહીં દૂધ ભરાવવા આવે છે અને ડેરીના સભાસદોની સંખ્યા પણ વધીને 50 જેટલી થઈ ગઈ છે. આ સફળતા માત્ર એક ડેરીની પ્રગતિની વાત નથી, પરંતુ ગામની મહિલાઓના આત્મવિશ્વાસ, નેતૃત્વ અને આર્થિક સશક્તિકરણની જીવંત સાબિતી છે. મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન, સહયોગ અને સંકલ્પબળ હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આત્મનિર્ભરતાના નવા આયામો સર્જી શકાય છે. આગામી સમયમાં વધુ પશુપાલકોને સ્વરોજગારી સાથે જોડવા માટે દૂધધારા ખાતે જીતપુરાના 10 આર્થિક રીતે નબળા પશુપાલકોને ભેંસ સહાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે, જેનાથી ગામમાં દૂધ ઉત્પાદન અને આવકના નવા અવસર ઊભા થશે. શ્રીજી મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સભાસદ મહિલાઓએ તેમની આ સફળ યાત્રામાં સતત માર્ગદર્શન અને સહયોગ બદલ રિલાયન્સ ફાઉન્ડેશન, ઈનરેકા સંસ્થા તથા દૂધધારા-ભચરવાડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જીતપુરાની આ સફળતા એ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓને તક, તાલીમ અને વિશ્વાસ મળે છે, ત્યારે તેઓ માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર ગામના વિકાસનું નેતૃત્વ કરી શકે છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
