<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અંગત વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરનાર આરોપીને અમરોલી પોલીસે રાયપુરથી દબોચી લીધો

આરોપીએ મહિલાને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા મજબૂર કરી હતી અને જો તે તેની વાત ન માને તો તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પરિણીત મહિલા સાથે મીઠી-મીઠી વાતો કરી, તેને પ્રેમજાળમાં ફસાવી તેના અંગત વીડિયો મેળવી લેનાર અને બાદમાં આ વીડિયો મહિલાના પતિ સહિત સગા-સંબંધીઓમાં વાયરલ કરી બ્લેકમેઇલ કરનાર આરોપીને અમરોલી પોલીસે ફિલ્મી ઢબે ૩૦૦૦ કિલોમીટર દૂર છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીની હેવાનીયતના કારણે મહિલા ભારે હતાશામાં સરી પડી હતી અને આત્મહત્યા કરવા જઈ રહી હતી, પરંતુ સુરત પોલીસે સંવેદનશીલતા દાખવી સમયસર તેનો જીવ બચાવી લીધો હતો.

મૂળ બિહારના સિવાન જિલ્લાના સફીયાબાદનો વતની અને હાલ છત્તીસગઢના રાયપુરમાં રહેતો ૨૯ વર્ષીય મંટુકુમાર ઉર્ફે અર્જુન રામનાથ ઉપાધ્યાયે છેલ્લા ચારેક મહિનાથી અમરોલી વિસ્તારની એક પરિણીત મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક સાધ્યો હતો. આરોપીએ મહિલાને પોતાની મીઠી-મીઠી વાતોમાં ફોસલાવીને તેની સાથેના કેટલાક અભદ્ર વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. જોકે, બાદમાં મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે આરોપી અર્જુન સાથે વાતચીત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું.પીડિત મહિલાએ વાત કરવાનું બંધ કરી દેતા જ આરોપી અર્જુન ઉપાધ્યાય પોતાની અસલી હેવાનીયત પર આવી ગયો હતો. તેણે મહિલા પાસે અનૈતિક માંગણીઓ કરવાનું અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. મહિલા ન માનતા આરોપીએ તેના અંગત વીડિયો પીડિતાના જ પતિ સહિત તમામ સગા-સંબંધીઓમાં વાયરલ કરી દીધા હતા. આટલું જ નહીં, આરોપીએ મહિલાને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા મજબૂર કરી હતી અને જો તે તેની વાત ન માને તો તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મહિલા અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી..અને મહિલાને એટલી હદે બ્લેકમેઇલ કરવામાં આવી કે તે ભારે માનસિક આઘાતના કારણે આત્યંતિક પગલું આત્મહત્યા નું ભરવા જઈ રહી છે .આ માહિતી પોલીસના એક બાતમીદારે કોન્સ્ટેબલને આપી હતી. માહિતી મળતા જ અમરોલી પોલીસની ટીમે તાત્કાલિક મહિલાનો સંપર્ક કર્યો હતો.મહિલા આત્મહત્યા જેવું કોઈ પગલું ન ભરે તે માટે તેનું ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સંવેદનશીલ રીતે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું..કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ રડતા-રડતા પોતાની સાથે ઘટેલી આ ચોંકાવનારી આપવીતી જણાવી હતી. પોલીસે તાત્કાલિક મહિલાને કાયદાકીય લડત આપવા હિંમત પૂરી પાડી ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટનાની ગંભીરતાને જોતાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનાર, પીએસઆઈ જે.જી. કામળીયા અને સર્વેલન્સ સ્ટાફ (ડી-સ્ટાફ)ની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ખૂબ જ શાતિર છે. તે પોલીસ પકડથી બચવા માટે બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ અલગ-અલગ રાજ્યોમાં સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો.

અમરોલી પોલીસની ટીમ સૌપ્રથમ આરોપીના વતન બિહારના સિવાન જિલ્લામાં પહોંચી હતી, જ્યાં સતત ૪ દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ પોલીસ આવ્યાની ભણક લાગતા જ આરોપી ત્યાંથી ભાગીને છત્તીસગઢ જતો રહ્યો હોવાનું ટેકનિકલ સર્વેલન્સમાં સામે આવ્યું હતું. પોલીસે હાર માન્યા વગર આશરે ૩૦૦૦ કિલોમીટર જેટલું લાંબું અંતર કાપીને છત્તીસગઢના રાયપુરના તેલીબાંધા વિસ્તારમાં ધામા નાખ્યા હતા. આરોપીને પકડવા માટે અમરોલી પોલીસે સ્થાનિક પોલીસની મદદ મેળવી હતી અને રાયપુરના એક તળાવના કિનારે પોલીસકર્મીઓએ સતત ચાર દિવસ સુધી સ્થાનિક વેશપલ્ટો ધારણ કરીને ગુપ્ત રીતે વોચ ગોઠવી હતી. આખરે આરોપીનું ચોક્કસ લોકેશન મળતા જ પોલીસે તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો.

(7:36 PM IST)