News of Thursday, 14th May 2026
ઇડરની સિવિલ હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિમાં ગંભીર નિષ્કાળજી બદલ તત્કાલિન સિવિલ અધિક્ષક અને RMO સામે પોલીસ ફરિયાદ
એક વર્ષ પૂર્વે હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાની પ્રસૂતિમાં ગંભીર બેદરકારીના આ કેસમાં ન્યાયની આશા સાથે પીડિત પરિવારે લાંબી લડત આપી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઇડરની સિવિલ હોસ્પિટલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં તબીબોની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક વર્ષ પૂર્વે હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાની પ્રસૂતિમાં ઘોર નિષ્કાળજી દાખવનાર તત્કાલિન સિવિલ અધિક્ષક અને RMO સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ન્યાયની આશા સાથે પીડિત પરિવારે લાંબી લડત આપી હતી.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ઇડર સિવિલ હોસ્પિટલના તત્કાલિન સિવિલ અધિક્ષક ડૉ. ગજેન્દ્ર ગઢવી અને RMO ડૉ. અમુલ વર્મા સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે, એક હાઈ રિસ્ક ધરાવતી મહિલા જ્યારે પ્રસૂતિ માટે આવી ત્યારે જવાબદાર તબીબો હાજર રહેવાને બદલે સ્ટાફ નર્સના ભરોસે કામ છોડી દીધું હતું. ગંભીરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે ડૉ. ગજેન્દ્ર ગઢવી ચાલુ ફરજ દરમિયાન હોસ્પિટલ છોડીને ઘરે જતા રહ્યા હતા. પ્રસૂતિ દરમિયાન સ્થિતિ અત્યંત કટોકટીભરી બની ગઈ હતી અને બાળકનો અડધો ભાગ બહાર આવ્યા બાદ ફસાઈ ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિમાં મહિલાને તાત્કાલિક હિંમતનગર સિવિલમાં ખસેડવાની ફરજ પડી હતી, જ્યાં કમનસીબે માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
બાળકના પિતાએ આ ઘટના બાદ હિંમત હાર્યા વગર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. પ્રાથમિક તપાસમાં તબીબોની ક્ષતિ જણાતા તેમની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી, જેમાં ડૉ. ગજેન્દ્ર ગઢવીને કચ્છ અને ડૉ. અમુલ વર્માને સુરત ખાતે મોકલી દેવાયા હતા. જોકે, માત્ર બદલીથી સંતોષ ન માનતા પરિવારે કાયદાકીય લડત ચાલુ રાખી હતી. પરિણામે, બનાવના એક વર્ષ બાદ હવે પોલીસે બંને તબીબો સામે વિધિવત ફરિયાદ નોંધી છે. લાંબા સમયની પ્રતિક્ષા બાદ પોલીસ કાર્યવાહી શરૂ થતા પરિવારમાં હવે ન્યાયની આશા જીવંત બની છે. આ કેસ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને તબીબોની જવાબદારી સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
