<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

મહેસાણાના બાળ સંરક્ષણ ગૃહમાં કિશોરોએ કરી તોડફોડ : મુખ્ય દરવાજાના કાચ તોડ્યા : ત્રણ કિશોરને ઈજા થતાં ખળભળાટ

ઓબ્ઝર્વેશન હોમમાં ભોજન અને પરિવારને મળવા બાબતે બબાલ બાદ ઉશ્કેરાયેલા કિશોરોએ બારી-દરવાજા તોડ્યા : પોલીસે ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, કોઈ ગુનો નોંધાયો નથી

મહેસાણા તા.24 : મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ) માં કિશોરોએ તોડફોડ મચાવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કિશોરોએ મુખ્ય દરવાજાના કાચ, બારી અને ફર્નિચર તોડી નાખ્યા હતા, જેમાં ત્રણ કિશોરોને કાચ વાગતા ઈજા પહોંચી છે.

આ ઘટના આજે વહેલી સવારે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા 7 થી 9 જેટલા કિશોરો છેલ્લા કેટલાક સમયથી પરિવારજનોને મળવા ન મળતું હોવા અને ઘરેથી ભોજન મંગાવવાની માંગણી ન સંતોષાતા નારાજ હતા. આ બાબતે સુપરિન્ટેન્ડેન્ટ સાથે તેમને બોલાચાલી થઈ હતી.

 

ત્યારબાદ ઉશ્કેરાયેલા કિશોરોએ તોડફોડ શરૂ કરી હતી. તેઓએ મુખ્ય દરવાજાના કાચ તોડી નાખ્યા હતા, જેમાં કાચના ટુકડા વાગતા ત્રણ કિશોરો ઘાયલ થયા હતા. બી-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ કિશોરોને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સમિતિના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કૃત્ય પાછળ માનસિક તણાવ જવાબદાર હોઈ શકે છે. કોરોના લોકડાઉન પછી ઘણા કિશોરો લાંબા સમયથી પરિવારને મળી શકતા નથી, જેના કારણે તેઓ ડિપ્રેશન અનુભવી રહ્યા છે.

 

પોલીસે જણાવ્યું કે હાલ આ મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. તમામ કિશોરો હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયા છે અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. તોડફોડને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા લાકડાની બારીઓ લગાવવાનો નિર્ણય પણ લેવાયો છે.

(4:33 PM IST)