<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સ્વચ્છ ગુજરાત - સ્વસ્થ ગુજરાત અભિયાન : જનભાગીદારીથી કચરાના ચાર સ્તરીય વર્ગીકરણ દ્વારા શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવાની વ્યાપક ઝુંબેશ

ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અંતર્ગત સો ટકા ડોર-ટુ-ડોર કલેશન : વોટ્સએપ હેલ્પલાઇન દ્વારા ચોવીસ કલાકમાં ફરિયાદોનું નિરાકરણ : સારી કામગીરી કરનાર સ્થાનિક સંસ્થાઓને 'મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ'થી પ્રોત્સાહિત કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા 'સ્વચ્છ ગુજરાત - સ્વસ્થ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહેવા માટે વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ તેમજ સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોનું કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં જનભાગીદારીના માધ્યમથી કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ કરીને સ્વચ્છ અને સુંદર શહેરોની કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

કચરાનું ચાર પ્રકારે વર્ગીકરણ અને નવા નિયમોની વિશેષતાઓ:
સ્વચ્છતા એ માત્ર સરકારની નહીં પરંતુ સૌ નાગરિકોની પવિત્ર જવાબદારી છે. તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવેલા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો (SWM Rules 2026) મુજબ ઘરોમાંથી કચરાનું સો ટકા કલેશન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે કચરો ઉત્પન્ન થાય ત્યાં જ ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો એમ ચાર પ્રકારે અલગ કરીને ડોર-ટુ-ડોર વાહનમાં જ આપે, તેમજ જાહેરમાં કચરો ન ફેંકે કે ન સળગાવે.

મોટા એકમો જેવા કે ૨૦,૦૦૦ ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાર ધરાવતા કોમ્પ્લેક્સ, હોટેલ, સંસ્થાઓ અને ઓફિસો, દૈનિક ૪૦,૦૦૦ લિટરથી વધુ પાણીનો વપરાશ કરતા અથવા દૈનિક ૧૦૦ કિલોગ્રામથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા એકમોએ સ્થળ પર જ ભીના કચરાનું ડિસેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ કરવાનું રહેશે અને સૂકા કચરાનો અધિકૃત એજન્સી મારફતે નિકાલ કરવાનો રહેશે. આ અભિયાનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને 'લીડ ફેસિલિટેટર' તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

મોનિટરિંગ, તાલીમ અને વિશેષ હેલ્પલાઇન સુવિધા:
રાજ્યભરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ સેલની રચના કરી મોનિટરિંગની કામગીરી કરાઈ રહી છે. રાજ્ય અને પ્રાદેશિક કક્ષાએ વિવિધ વર્કશોપ યોજીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને સફાઈ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સોસાયટીના રહેવાસીઓ અને સફાઈ કામદારોના સહયોગથી સ્વચ્છતા સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ બુક્સનું વિતરણ કરાયું છે.

નાગરિકોની વધુ અવરજવર વાળા વિસ્તારોમાં સ્વચ્છતા માર્શલ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટના તમામ પેરામીટર્સનું સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર પોર્ટલ પર મેપિંગ કરવામાં આવ્યું છે. નાગરિકો પોતાની સ્વચ્છતા સંબંધિત ફરિયાદો વોટ્સએપ હેલ્પલાઇન નંબર ૭૬૨૨૮ ૮૦૦૦૦ પર નોંધાવી શકે છે, જેના દ્વારા ૨૪ કલાકની અંદર ૯૯ ટકા ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે છે. 'આપણો કચરો, આપણી જવાબદારી' અને 'મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત'ના આ મંત્રને સાર્થક કરવા સૌ નાગરિકોને આગળ આવવા આહ્વાન કરાયું છે.

(1:24 PM IST)