News of Saturday, 4th July 2026
સુરતનું 'રોડ-શો' કૌભાંડ: પહેલા જ વરસાદમાં શહેરના ૫ મુખ્ય માર્ગો ધસી પડ્યા, એક ડમ્પર સહિત અનેક વાહનો ગરકાવ થતાં તંત્ર દોડતું થયું
ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓની ઘોર બેદરકારી: વર્ષો જૂની એજન્સીઓ સામે મનપાની લાલ આંખ, નોટિસ ફટકારી જવાબ માંગ્યો

સુરત : ચોમાસાના પ્રારંભે જ સુરત મહાનગરપાલિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પોલ ખુલી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માત્ર ૧૬ દિવસના વરસાદમાં ૫ મોટા રસ્તાઓ અચાનક બેસી જવાની કે ધસી પડવાની ઘટનાઓએ લોકોમાં ભારે રોષ અને દહેશત ફેલાવી દીધી છે. રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓમાં વાહનો ગરકાવ થવાના દ્રશ્યોએ સાબિત કરી દીધું છે કે શહેરમાં રસ્તા બનાવતી વખતે ગુણવત્તા સાથે કેવી રીતે ચેડાં કરવામાં આવ્યા છે.
ગંભીર ઘટનાઓ અને વાહનોની દશા
શહેરમાં સર્જાયેલી આ રોડ તૂટવાની ઘટનાઓ અત્યંત ગંભીર છે. ડિંડોલીમાં લગભગ ૧૦૦ મીટરનો રોડ એકાએક ધસી પડતા એક આખું ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું, જેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આટલું જ નહીં, વરાછા રોડ પર ૭૦૦ મીટર જેટલો લાંબો રસ્તો બેસી જવાથી વાહનચાલકોની કફોડી હાલત થઈ ગઈ હતી. પુણાગામ વિસ્તારમાં તો ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં રોડ બેસી જતાં પાર્ક કરેલા ૭ થી ૮ વાહનો નીચે દબાઈ ગયા હતા. પંડેસરામાં તો મુસાફરોથી ભરેલી એસ.ટી. બસ રસ્તો ધસી પડતા ફસાઈ ગઈ હતી, જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ડેપ્યુટી મેયરના વિસ્તારમાં પણ ખાડા
સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે ડિંડોલીના જી-૯ સર્કલ પાસે જ્યાં રોડ બેસી ગયો, તે વિસ્તાર સુરતના ડેપ્યુટી મેયરનો ગણાય છે. જ્યારે શહેરના જવાબદાર પદાધિકારીઓના વિસ્તારમાં આવી દુર્દશા થતી હોય, તો અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે તેવો પ્રશ્ન નાગરિકો પૂછી રહ્યા છે. આ તમામ રસ્તાઓ પર અગાઉ ગટર અથવા અન્ય કામગીરી કરવામાં આવી હતી, ત્યારબાદ રસ્તાના રિપેરિંગમાં દાખવવામાં આવેલી બેદરકારી અને હલકી ગુણવત્તાનું કામ આ તારાજીનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.
એજન્સીઓ સામે મનપાની લાલ આંખ
આ સમગ્ર મામલે સુરત મનપાએ ગંભીર નોંધ લેતા તાત્કાલિક ધોરણે પાંચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓને કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારી છે. ખાસ કરીને જે એજન્સીઓ ૧૦ થી ૪૦ વર્ષના અનુભવનો દાવો કરે છે, તેમના કામમાં જ આટલી મોટી ક્ષતિઓ સામે આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા હવે આ તમામ એજન્સીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે શા માટે તેમની સામે દંડનીય કે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે. સુરતના નાગરિકો હવે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે માત્ર નોટિસ જ નહીં, પરંતુ દોષિતો સામે કડક પગલાં પણ લેવામાં આવે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
