<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સુરતના ડુમસ બીચ પર દરિયો 1000 ફૂટ પાછળ ધકેલાયો? પોલીસે કહ્યું-આ માત્ર કુદરતી ઓટની ઘટના: ડુમસ સી ફેસ એકદમ સુરક્ષિત

ભ્રમિત કરનારી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ: લોકોમાં ભય ફેલાવવા બદલ પોલીસે રાજસ્થાનના એક શખ્સ સામે ગુનો નોંધી અફવા ફેલાવતી લિંક્સ હટાવવાની કાર્યવાહી તેજ કરી

સુરતના પ્રખ્યાત ડુમસ દરિયાકિનારે દરિયો 1000 ફૂટ પાછળ ધકેલાયો હોવાની અને ભય પેદા કરે તેવી અફવાઓ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 07 મે ના રોજ વાયરલ થયેલી એક રીલમાં  ડુમસ બીચ પર દરિયો ખૂબ પાછળ જતો રહ્યો હોવાનું દર્શાવીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસે આ મામલે તાત્કાલિક નોંધ લીધી છે અને સ્પષ્ટતા કરી છે કે આવી ભ્રમિત વાતોમાં કોઈ તથ્ય નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સમાચાર અને વીડિયો તદ્દન પાયાવિહોણા સાબિત થયા છે.

આ ભ્રમિત કરનારી રીલ બનાવનાર મૂળ રાજસ્થાનના શુભમ નામના ઇસમ સામે સુરત પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીએ ડુમસ સી ફેસ ખાતે લોકોમાં ભય અને ચિંતા વધે તે પ્રકારના વીડિયો બનાવીને વાયરલ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની 11 જેટલી લિંક્સને દૂર કરવા માટે સંબંધિત એજન્સીને સૂચના આપી દેવામાં આવી છે. કેટલીક રીલ નવા હેતુથી ક્રિએટ કરવામાં આવી છે જ્યારે કેટલીક માત્ર ફોરવર્ડ  રવામાં આવી છે. પોલીસ અત્યારે આ આખા નેટવર્ક પર નજર રાખી રહી છે.

દરિયામાં આવતી ઓટ અને ભરતી એ એક સામાન્ય કુદરતી ઘટના છે. જ્યારે લો ટાઈડ (Low Tide) હોય છે ત્યારે દરિયાનું પાણી સ્વાભાવિક રીતે ઘણું નીચે ચાલ્યું જાય છે. હાઈ ટાઈડ સમયે પાણી ફરી ઉપર આવી જતું હોય છે. વાયરલ થયેલી રીલમાં લો ટાઈડના સમયનો વીડિયો લઈને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસના એડિશનલ સીપી બલરામ મીનાએ ખુલાસો કર્યો છે કે ડુમસ સી ફેસ અત્યારે એકદમ સુરક્ષિત છે અને ત્યાં જવું જોખમી નથી.

(8:41 PM IST)