<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: ગંગાધરા પાસે એક્સપ્રેસ વે પરથી ₹1.37 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : અધિકારી ભટોળ અને પાંચાણીની ટીમે આરોપી સુરેન્દ્ર પ્રજાપત તથા પ્રકાશ ખેમાદાને દબોચ્યા : જુઓ વિડિયો

ચૂંટણી લક્ષી કડક ચેકિંગ દરમિયાન ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ 28,716 બાટલીઓ સાથે કુલ ₹1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત : PSI મસાણી સહિતની ટીમે વડોદરા જતું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું

પલસાણા:  આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી ઝુંબેશમાં સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના ગંગાધરા ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે નંબર-4 પરથી બાતમીના આધારે એક કન્ટેનર આંતરીને ₹1,37,58,000/- ની કિંમતનો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

બાતમીના આધારે વોચ અને સફળ ઓપરેશન:
પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ભટોળ અને એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને ASI રોહિત બાબુભાઈ, ASI શૈલેષ માનસિંગભાઈ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગના એક ટાટા ટ્રક કન્ટેનર (નંબર-RJ-14-GG-4172) માં દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે PSI એચ.સી.મસાણી અને તેમની ટીમે ગંગાધરા ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું.

ચોખાની બોરીઓ નીચે છુપાવેલો હતો દારૂ:
પોલીસે જ્યારે કન્ટેનરનું સીલ તોડીને તપાસ કરી ત્યારે અંદર ચોખાની 100 બોરીઓની આડમાં વિદેશી દારૂની કુલ 28,716 બાટલીઓ છુપાવેલી મળી આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ જથ્થો મહારાષ્ટ્રથી ભરીને વડોદરા પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ, કન્ટેનર, 2 મોબાઈલ ફોન, ચોખાની બોરીઓ અને રોકડ રકમ મળીને કુલ ₹1,58,59,350/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓની વિગત:
પોલીસે આ મામલે કન્ટેનર ચાલક સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપત (રહે. જોધપુર, રાજસ્થાન) અને ક્લીનર પ્રકાશ સુખારામ ખેમાદા (રહે. જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂનો જથ્થો ભરાવનાર 'શેઠજી', વડોદરામાં માલ લેવા આવનાર અજાણ્યો ઇસમ અને વાહન માલિકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

કામગીરી કરનાર ટીમ:
આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ભટોળ, એન.જી.પાંચાણી, PSI એચ.સી.મસાણી, ASI શૈલેષ માનસિંગભાઈ, ASI રોહિત બાબુભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ચોથાભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આ સમગ્ર કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

(2:17 PM IST)