<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સુરત પોલીસની સપાટો: 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ૧૬ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, કાયદાકીય સકંજો કસી તમામ નાગરિકોને વતન ખદેડાયા

પશ્ચિમ બંગાળની સરહદેથી ભારતમાં ઘૂસી સુરતમાં છુટક મજૂરી કરતા હતા શંકાસ્પદ લોકો: ધરપકડ કરાયેલાઓમાં ૧૨ મહિલાઓ અને એક બાળકીનો પણ સમાવેશ, મોબાઈલ અને બેંક ખાતાઓ ખંખાખ્યા બાદ કરાયા ડિપોર્ટ

અમદાવાદ : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકારરૂપ તત્વો સામે સુરત જિલ્લા પોલીસે એક અત્યંત મોટી અને સીમાચિહ્નરૂપ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ ગુપ્ત મિશન 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' (Operation Delta Hunt) અંતર્ગત સુરત અને તેની આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા ૧૬ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા તમામ નાગરિકો વિરુદ્ધ કાયદેસરની કડક કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, સુરત પોલીસે તમામ ૧૬ બાંગ્લાદેશીઓને ભારતમાંથી તેમના વતન બાંગ્લાદેશ પાછા મોકલી (Deport) દીધા છે.

બોર્ડર ક્રોસ કરીને બંગાળ થઈને આવ્યા હતા ગુજરાત:

પોલીસ તપાસમાં આ ઘૂસણખોરોની મોડસ ઓપરેન્ડીનો મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા નાગરિકોમાં ૧૨ મહિલાઓ, ૩ પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકો ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પ્રવેશ મેળવ્યા બાદ તેઓ અલગ-અલગ ખાનગી વાહનો અને ટ્રેનો મારફતે ગુજરાત સુધી પહોંચી ગયા હતા અને ઓળખ છુપાવીને સુરત જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ છુટક મજૂરીકામ કરવા લાગ્યા હતા.

મોબાઈલ અને બેંક એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ થઈ:

શાતિર ઘૂસણખોરો પર સુરત પોલીસની સ્પેશિયલ ટીમની નજર પડતાં જ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' લોન્ચ કરીને તેમને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા હતા. પોલીસ ધરપકડ કર્યા બાદ આ તમામ શંકાસ્પદ લોકોના બેકગ્રાઉન્ડની ઊંડી તપાસ કરવામાં આવી હતી. તેમના સ્થાનિક સંપર્કો કોની કોની સાથે હતા, તેમના બેંક એકાઉન્ટની વિગતો, તેમની પાસે મળી આવેલા કથિત ભારતીય ઓળખકાર્ડ અને તેમના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) ની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી.

સંપૂર્ણ પુરાવા મળ્યા બાદ કડક કાર્યવાહી:

જ્યારે તપાસ દરમિયાન પોલીસ પ્રશાસનને સચોટ પુરાવા મળ્યા અને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ તમામ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો જ છે, ત્યારે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેવટે ઉચ્ચ સ્તરીય મંજૂરી બાદ તમામ ઘૂસણખોરોને દેશની સરહદ બહાર ખદેડી મૂકવામાં આવ્યા છે. સુરત પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા શંકાસ્પદ તત્વોને શોધી કાઢવા માટે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત કડક સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.

(10:13 PM IST)