News of Wednesday, 17th June 2026
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ’ અભિયાન હેઠળ મોટી સફળતા : ૯ વર્ષથી નાસતા ફરતા આરોપી નિલેશ ગજેરાને ૧૬૦૦ કિમી દૂર ઓડિશાથી દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળ એસીપી કિરણ મોદીના સંકલનમાં વાહન ચોરી સ્ક્વોડની ટીમે ઓડિશાની કોલસાની ખાણમાંથી આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટ : સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવા માટે ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ’ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હવે ગુજરાતના સીમાડા વટાવી દેશના રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વમાં અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ કામગીરી દરમિયાન વાહન ચોરી સ્ક્વોડની ટીમને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સીસના આધારે વર્ષ ૨૦૧૭થી એટલે કે છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને ૧૬૦૦ કિલોમીટર દૂર ઓડિશાથી વિશેષ ઓપરેશન પાર પાડીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મકાન ખાલી કરાવ્યા બાદ બળજબરીથી કબ્જો કરી ધમકી આપી હતી:
આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદી પ્રવિણભાઈ નાનજીભાઈ સવસૈયા (રહે. ઘરનં- ૨૧૧, ૨૧૨, ઠાકોરદ્વાર સોસાયટી, લક્ષ્મણનગરની પાછળ, પુણા રોડ, કાપોદ્રા, સુરત શહેર) નાઓના મકાનમાં આરોપી નિલેશભાઈ ગજેરા તેના માતા-પિતા અને પરિવાર સાથે રહેતો હતો. સદરહુ મકાન ખાલી નહીં કરતા ફરિયાદીએ પોલીસ બંદોબસ્ત સાથે મકાન ખાલી કરાવ્યું હતું. જોકે પોલીસ બંદોબસ્ત પૂર્ણ થતાં જ આરોપીઓ બળજબરીપૂર્વક ઘરવખરીનો સરસામાન લઈ પરત સદરહુ મકાનમાં ઘૂસી ગયા હતા અને ગૃહઅપ્રવેશ કરી ફરીયાદી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૨/૦૫/૨૦૧૭ના રોજ ફસ્ટ ગુ.ર.નં ૧૦૩/૨૦૧૭, ઈ.પી.કો કલમ-૪૪૮, ૫૦૪, ૫૦૬(૨), ૩૪ મુજબનો ગુનો રજિસ્ટર થયો હતો.
અન્ય આરોપીઓ પકડાયા હતા, મુખ્ય આરોપી માટે કોર્ટે વોરન્ટ જાહેર કર્યું હતું:
કાપોદ્રા પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વાલજીભાઈ કેશુભાઈ ગજેરા, જયાબેન વાલજીભાઈ ગજેરા, વિપુલભાઈ વાલજીભાઈ ગજેરા, વનીતાબેન વિપુલભાઈ ગજેરા તથા મનિષભાઈ શિવાભાઈ બાલધાનાઓની ધરપકડ કરી લીધી હતી. પરંતુ મુખ્ય આરોપી નિલેશભાઈ વાલજીભાઈ ગજેરા પોતાની ધરપકડ ટાળવા માટે સતત નાસતો ફરતો હતો. આથી નામદાર સુરત કોર્ટ તરફથી તેની સામે સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડનું વોરન્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
અલગ-અલગ રાજ્યોમાં ભટક્યા બાદ ઓડિશાની કોલસાની ખાણમાં છુપાયો હતો:
ગુનો આચર્યા બાદ મૂળ સૌરાષ્ટ્રના લીલીયા પંથકનો આરોપી નિલેશ ગજેરા સુરત શહેર છોડીને હૈદરાબાદ, બેંગ્લોર, ઝારખંડ, દિલ્હી અને કશ્મીર વગેરે રાજ્યોમાં લુપાતો-છુપાતો ફરતો હતો. છેલ્લા આઠેક વર્ષથી તે ઓડિશાના અંગુલ જિલ્લામાં કોલેરી ખાતે આવીને ઝુપડપટ્ટીમાં રહેતો હતો. કોલેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ કોલસાની ખાણો આવેલી છે, જ્યાં OISF (Odisha Industrial Security Force) ની સિક્યુરીટી રાખવામાં આવે છે. આ ખાણોમાં આરોપી આઉટસોર્સના ડ્રાઈવર તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની વાહનચોરી સ્ક્વોડની ટીમે ઓડિશાના અંગુલ જિલ્લાના કોલેરી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આરોપી નિલેશભાઈ વાલજીભાઈ ગજેરા (ઉ.વ.૩૫, મૂળ ગામ- મોટા કણકોઠ, તા. લીલીયા, જિ. અમરેલી) ને દબોચી લીધો છે. પોલીસે આરોપીના ૭૨ કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવી નામદાર કોર્ટમાં રજુ કર્યો છે અને આગળની ન્યાયિક કાર્યવાહી માટે તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
