<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

સુરત સરકારી મેડિકલ કોલેજ જુનિયર ડોક્ટર આત્મહત્યા કેસ: એટ્રોસિટી એક્ટ અને દુષ્પ્રેરણ હેઠળ ગુનો નોંધાયેલો હોવાથી રેસિડન્ટ ડોક્ટરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

​શારીરિક-માનસિક ત્રાસ અને શિસ્તના નામે રેગિંગ કરી રેસિડન્ટ ડોક્ટરને વિવશ કરવાનો સંગીન આરોપ: સુનાવણી બાદ સ્પેશિયલ (એટ્રોસિટી) જજ પી. એ. પટેલે કડક વલણ અપનાવી અરજી નાંજૂર કરી

​સુરત: સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (જીએમસી) ના પ્રથમ વર્ષના માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી અને જુનિયર ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા પ્રકરણમાં મોટી કાનૂની કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા સિનિયર પીએસજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) રેસિડન્ટ ડોક્ટર દ્વારા ધરપકડથી બચવા માટે કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને સુરત જિલ્લા સત્ર અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, કેસમાં આત્મહત્યાના દુષ્પ્રેરણની સાથે સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ જોડાયેલા હોવાથી આ તબક્કે અરજદારને આગોતરા જામીન આપી શકાય નહીં.

​પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 9 ઓગસ્ટના રોજ હોસ્ટેલના રૂમમાં ડો. હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ બાદ મૃતકના પિતા ડો. સુભાષચંદ્ર પંડ્યા (રહે. મોડાસા) દ્વારા ખટોદરા પોલીસ મથકે ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એવો સંગીન આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સિનિયર ડોક્ટરો દ્વારા સતત ગાળાગાળી કરવી, જાહેરમાં અપમાનિત કરવા, કલાકો સુધી જમીન પર બેસાડી રાખવા તેમજ પોતાના અંગત કામો કરાવવા જેવી માનસિક અને શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ સતત થઈ રહેલા ત્રાસ અને રેગિંગથી કંટાળીને અંતે જુનિયર ડોક્ટરે આત્યંતિક પગલું ભરી લીધું હતું.

​કોલેજની એન્ટી-રેગિંગ કમિટીની તપાસમાં પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કડક શિસ્તના નામે જુનિયર ડોક્ટરોનું માનસિક શોષણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતને આધારે પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 (આત્મહત્યાનું દુષ્પ્રેરણ), 127(2) (ગેરકાયદે અટકાયત), 352 (શાંતિભંગ કરવાના ઇરાદાથી અપમાન) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની કલમ 3(2)(v) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

​ગુનો નોંધાયા બાદ ધરપકડના ડરથી આરોપી સિનિયર ડોક્ટરે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ (એટ્રોસિટી) જજ પી. એ. પટેલની અદાલતમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ (એપીપી) દિગંત તિવારીએ દલીલ કરી હતી કે, કેસ અત્યંત સંવેદનશીલ છે અને પ્રાથમિક પુરાવા જોતાં આરોપી સામે ગંભીર આરોપો સ્પષ્ટ થાય છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ લાગુ પડતી હોવાથી કાયદાકીય રીતે આગોતરા જામીન મળવાપાત્ર નથી.

​અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લીધા બાદ અરજદાર ડોક્ટરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. સરકારી પક્ષે કોર્ટના આ આદેશ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે કેસમાં સામેલ અન્ય એક આરોપી વિદ્યાર્થીની પણ જામીન અરજી પર કોર્ટ ટૂંક સમયમાં ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

(2:54 PM IST)