News of Thursday, 16th July 2026
સુરત એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના :રનવેની મધ્યમાં 3 ફૂટ લાંબો સાપ ફેણ ચડાવીને બેસી જતાં પાયલટે પ્લેન થોભાવ્યું
પાયલોટે સમયસૂચકતા વાપરીને પ્લેનને ઈમરજન્સી બ્રેક મારી અને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે થોભાવી દીધું : પાઇલટના આ ક્વિક ડિસિઝનને કારણે પ્લેનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પ્લેન ટેક-ઓફ કરે તે પહેલાં રનવેની બિલકુલ વચ્ચે એક ૩ ફૂટ લાંબો સાપ ફેણ ચડાવીને બેસી ગયો હતો. આ દ્રશ્ય પ્લેનમાં સવાર એક મુસાફરે પોતાની બારીમાંથી કેમેરામાં કેદ કરી લીધું હતું, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. રનવે પર સાપ દેખાતાં જ પાયલટે તુરંત બ્રેક મારીને વિમાનને થોભાવી દીધું હતું. આશંકા સેવાઈ રહી છે કે ચોમાસાની ઋતુને કારણે એરપોર્ટની આજુબાજુ આવેલી ઝાડીઓમાંથી આ સાપ રનવે પર આવી ચડ્યો હતો. સાપ દેખાવાની ઘટનાને પગલે એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા અને સાપને રનવે પરથી હટાવવા તજવીજ હાથ ધરી હતી.
રનવે પર ઝડપ પકડી રહેલા વિમાનના પાઇલટની નજર રનવેની વચ્ચે બેઠેલા સાપ પર પડી હતી. પાઇલટે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અત્યંત સમયસૂચકતા વાપરીને પ્લેનને ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી અને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે થોભાવી દીધું હતું. પાઇલટના આ ક્વિક ડિસિઝનને કારણે પ્લેનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ સમગ્ર રોમાંચક અને ડરામણી ઘટનાનો વીડિયો પ્લેનમાં સવાર એક મુસાફરે પોતાની બારીમાંથી કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે સાપ રનવેની બિલકુલ વચ્ચે રસ્તો રોકીને ફેણ ચડાવીને આક્રમક મૂડમાં બેઠો હતો
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
