<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો :પવનના સુસવાટા સાથે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

મહીસાગરના કડાણા પંથક સહિત રાજસ્થાન સરહદના ગામોમાં મેઘરાજાની એન્ટ્રી:દાહોદના ફતેપુરા, ઝાલોદ અને લીમડી પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ: અરવલ્લીના મેઘરજ, મોડાસા અને યાત્રાધામ શામળાજીમાં ગાજવીજ સાથે માવઠું: સુરેન્દ્રનગરના સાયલા અને કચ્છના ભચાઉ પંથકમાં પણ અચાનક વાતાવરણ પલટાતા છૂટોછવાયો વરસાદ

અમદાવાદ :ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.  ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો, ત્યારે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

 

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો. મહીસાગરના કડાણા પંથક સહિત રાજસ્થાન સરહદના ગામોમાં મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખાસ કરીને દાહોદના ફતેપુરા, ઝાલોદ અને લીમડી પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. 

 

બીજી તરફ અરવલ્લીના મેઘરજ, મોડાસા અને યાત્રાધામ શામળાજીમાં ગાજવીજ સાથે માવઠું આવતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાયલા અને કચ્છના ભચાઉ પંથકમાં પણ અચાનક વાતાવરણ પલટાતા છૂટોછવાયો વરસાદ નોંધાયો. જોકે, આ કમોસમી વરસાદને કારણે બાગાયતી અને ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

 

દાહોદના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. દાહોદના ફતેપુરા, ઝાલોદ, લીમડી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. 

 

મહીસાગરના કડાણા પંથકમાં ભરઉનાળે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન રાજ્યને અડીને આવેલા સરહદીય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગોધર, જોગણ અને રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યું.. મહીસાગર જિલ્લામાં ભર ઉનાળે વરસાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.,

 

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં વાદળો ઘેરાયા, ઉનાળુ વેકેશનમાં ખુશનુમા વાતાવરણ જોઈ પ્રવાસીઓ આનંદમાં આવી ગયા છે. 

 

અરવલ્લીના મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હતું. મોડાસાના નાદિસણ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય શામળાજીના સુનોખ-વાશેરાકંપામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ઇસરી જીતપુર પંથકમાં ગાજ વીજ તેમજ પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.  યાત્રાધામ શામળાજીમાં કમોસમી વરસાદ વરસ્યો. શામળાજી અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

(11:46 AM IST)