News of Sunday, 13th September 2026
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી : ઉકાઈમાં પોણા બાર ઇંચ, ઉમરપાડામાં સાડા આઠ ઇંચ વરસાદ
રાજ્યના ૨૮ જિલ્લાના ૧૯૩ તાલુકા ભીંજાયા : આજે પણ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણ

વાપી: (જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) ગુજરાતમાં વરસાદનો નવો અને જોરદાર દોર શરૂ થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૮ જિલ્લાના ૧૯૩ તાલુકામાં ઝરમરથી લઈને પોણા બાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે, અતિભારે તથા છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે.
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં સૌથી વધુ ૧૧.૮૧ ઇંચ એટલે કે લગભગ ૩૦૦ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૮.૩૫ ઇંચ એટલે કે ૨૧૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લાના સુબીરમાં ૫.૭૧ ઇંચ, વઘઈમાં ૫.૬૭ ઇંચ અને આહવામાં ૪.૩૭ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના સોનગઢમાં ૫.૫૧ ઇંચ, સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૪.૪૧ ઇંચ અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૪.૨૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલમાં પણ આશરે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના આશરે ૫૦ તાલુકામાં એકથી ત્રણ ઇંચ અને અન્ય ૧૩૪ તાલુકામાં ઝરમરથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન જ ૯૩ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં ડેડિયાપાડામાં સવા ત્રણ ઇંચ, ચોર્યાસીમાં સવા બે ઇંચ અને ઉમરપાડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાતાં વરસાદની તીવ્રતાનો અંદાજ આવે છે.
આજે ડાંગ, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અહીં આજે સવારે 9:00 વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વાદળા છવાયેલા જોવા મળે છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
