તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 29th September 2026
રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે : ૨ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ
૧૬ નવેમ્બરથી ૧૫ જાન્યુઆરી ૨૦૨૭ સુધી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે : બાજરી, જુવાર અને રાગી માટે પ્રતિ ક્વિન્ટલ ₹૩૦૦ નું વધારાનું બોનસ જાહેર : હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ મુજબ ડાંગર (કોમન) માટે ₹૨,૪૪૧ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે ₹૨,૪૬૧ પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે ₹૨,૪૧૦ પ્રતિ ક્વિન્ટલ દર નિયત કરાયો છે. આ ઉપરાંત વિશેષ પ્રોત્સાહન આપતાં બાજરી માટે ₹૨,૯૦૦ પ્રતિ ક્વિન્ટલ સાથે ₹૩૦૦ બોનસ, જુવાર (હાઈબ્રીડ) માટે ₹૪,૦૨૩ સાથે ₹૩૦૦ બોનસ, જુવાર (માલદંડી) માટે ₹૪,૦૭૩ સાથે ₹૩૦૦ બોનસ અને રાગી માટે ₹૫,૨૦૫ પ્રતિ ક્વિન્ટલ સાથે ₹૩૦૦ નું વધારાનું બોનસ ચૂકવવામાં આવશે.
ઓનલાઈન નોંધણી અને ખરીદીનું સમયપત્રક:
ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૨ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધણી માટે ખેડૂત ખાતેદારોનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ઓનલાઈન નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ તા. ૧૬ નવેમ્બર ૨૦૨૬ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન સીધી ખરીદી કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો અને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા:
નોંધણી માટે ખેડૂતોએ ઓળખના પુરાવાની નકલ, તાજેતરનો ગામ નમૂનો ૭/૧૨, ૮-અ તથા પાકની વાવણી અંગેની એન્ટ્રી (એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો), અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ રજૂ કરવાની રહેશે.
નોંધાયેલા ખેડૂતોને SMS મારફતે ખરીદીના સ્થળ અને તારીખ અંગે જાણ કરાશે. ખરીદી સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન ખોટા પુરાવા જણાઈ આવશે તો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નોંધણી અંગે વધુ માહિતી મેળવવા માટે પુરવઠા નિગમ દ્વારા હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ જાહેર કરવામાં આવ્યા છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
