તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
માનવતાનું ઝરણું : દેશભરની વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર ૮૬ મૃતકોના પરિવારોને પૂ. મોરારિબાપુ દ્વારા ₹૧૨.૯૦ લાખની સહાય
રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં થયેલા અકસ્માતોમાં પૂ. બાપુએ વ્યક્ત કરી સંવેદના : પ્રત્યેક મૃતકના વારસદારને ₹૧૫ હજારની અપાશે આર્થિક મદદ

ઈશ્વરિયા :રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં બનેલી અનેક હૃદયદ્રાવક દુર્ઘટનાઓ અને અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે પૂ. મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રમાં બનેલી અલગ-અલગ આપદાઓમાં કુલ ૮૬ વ્યક્તિઓના અકાળે અવસાન થયા છે, જેમના પરિવારોને હૂંફ આપવા માટે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા કુલ ૧૨,૯૦,૦૦૦ રૂપિયાની સહાય અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વિવિધ રાજ્યોની દુર્ઘટનાઓનો ચિતાર
છેલ્લા પખવાડિયા દરમિયાન બનેલી ઘટનાઓની વિગતો મુજબ, રાજસ્થાનના ચુરૂમાં લગ્નની જાનને નડેલા અકસ્માતમાં ૩, મહારાષ્ટ્રના ભંડારામાં લગ્ન પ્રસંગના વાહન અકસ્માતમાં ૫, અને ગાંધીનગર તથા કાલોલ પાસેના માર્ગ અકસ્માતોમાં અનુક્રમે ૨ અને ૪ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ધારમાં શ્રમિકોના અકસ્માતમાં ૧૪ વ્યક્તિ અને જબલપુરના બરગી જળાશયમાં નાવ ડૂબવાથી ૧૩ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં વાવાઝોડા-વરસાદને કારણે ૧૮ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે હૈદરાબાદ અને કર્ણાટકમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતની સ્થાનિક હોનારતોમાં પણ સહાય
ગુજરાતમાં બનેલી કરુણ ઘટનાઓમાં દ્વારકાના વરવાડામાં કૂવામાં પડી જતાં રાજકોટના દેવીપૂજક પરિવારના ૨ બાળકો, જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં બાખલવડ ગામના ૪ બાળકો, તેમજ ગોંડલ, ધ્રાંગધ્રા, તળાજા અને ધોળકા-બગોદરા માર્ગ પર થયેલા અકસ્માતના મૃતકોનો પણ આ સહાયમાં સમાવેશ કરાયો છે.
પરિવાર સુધી પહોંચાડવામાં આવશે રકમ
શ્રી ચિત્રકુટધામ તલગાજરડાના જણાવ્યા અનુસાર, પ્રત્યેક મૃતકના વારસદાર પરિવારને ૧૫,૦૦૦ રૂપિયા લેખે સહાનુભૂતિ સહાય આપવામાં આવશે. અન્ય રાજ્યોના કિસ્સામાં આ રકમ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા કરાવીને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. પૂ. બાપુએ આ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી શોકમગ્ન પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
