તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 25th May 2026
“નર્મદાથી ઉઠેલી બદલાવની ચિંગારી હવે સમગ્ર ગુજરાતમાં ફેલાશે”: ભાજપ-કોંગ્રેસ મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે: અરવિંદ કેજરીવાલ : નર્મદા જિલ્લા પંચાયતની જીત બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા વિજય યાત્રા : રાજપીપળામાં ઉમટ્યું માનવ મહેરામણ
૨૦૨૭માં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી : આદિવાસીઓ માટે અલગ ધર્મ કોલમ અને જનગણનાની માગ સાથે ચૈતર વસાવાની હુંકાર, નર્મદાનું પાણી આદિવાસી વિસ્તાર સુધી નહીં પહોંચે તો કેનાલ બંધ કરાવવાની લડતની ચેતવણી

રાજકોટ : નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પક્ષ દ્વારા આજે રાજપીપળા ખાતે ભવ્ય ‘વિજય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોએ વિજય યાત્રાને ઐતિહાસિક બનાવી દીધી હતી.
કેજરીવાલનુ સંબોધન: ત્રીજી પાર્ટીની સરકારથી રચ્યો ઈતિહાસ
વિજય યાત્રાને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, “ગુજરાતમાં અત્યાર સુધી ફક્ત કોંગ્રેસ અથવા ભાજપની જ સરકાર બનતી હતી. લોકો કહેતા હતા કે અહીં ત્રીજી પાર્ટીની સત્તા આવવી શક્ય નથી. પરંતુ નર્મદાના લોકોએ પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવી ઈતિહાસ રચ્યો છે. નર્મદાથી ઉઠેલી બદલાવની આ ચિંગારી હવે સમગ્ર ગુજરાતમાં ફેલાશે અને ૨૦૨૭માં વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે.”
તેમણે વધુમાં કહ્યું કે, “૩૦ વર્ષથી ભાજપના ભ્રષ્ટાચાર અને દમનથી લોકો ત્રસ્ત છે. ભાજપ અને કોંગ્રેસ બંને મળેલા છે. બંનેના વેપાર-ધંધા સાથે ચાલે છે અને બંને મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. ફક્ત આમ આદમી પાર્ટી જ જનતા માટે લડત લડી રહી છે.” કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને જેલમાં રાખવાનો જવાબ નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડીને આપી દીધો છે. તેમણે નવનિયુક્ત પ્રમુખ અંજનાબેન અને ઉપપ્રમુખ સંગીતાબેનને ઈમાનદારીથી પ્રજાના કામ કરવા અનુરોધ કર્યો હતો.
ચૈતર વસાવાની હુંકાર: આદિવાસી છીએ, વનવાસી નહીં
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, “આ જીત માત્ર પક્ષની નહીં, બદલાવ ઈચ્છતા દરેક વ્યક્તિની જીત છે. કોંગ્રેસે ૩૫ વર્ષ અને ભાજપે ૩૦ વર્ષ શાસન કર્યું, પણ કાકા-ભત્રીજાની રાજનીતિ કરી. હવે નર્મદાની જનતાએ પૂર્ણ બહુમતી આપી છે.”
તેમણે માગ કરી કે, “આદિવાસીઓ માટે અલગ ધર્મ કોલમ, અલગ સ્થાન અને અલગ જનગણના જરૂરી છે. જો સરકાર અલગ ધર્મ કોડ નહીં આપે તો આદિવાસીઓ પોતાનો ધર્મ અલગ રીતે નોંધાવશે અને જાતિગત જનગણનાનો પણ વિરોધ કરાશે. અમે આદિવાસી છીએ, વનવાસી નહીં. અમને વનવાસી સાબિત કરવાનો પ્રયાસ કરનારાઓએ યાદ રાખવું કે આદિવાસીઓ અંગ્રેજો સામે ઝુક્યા નહોતા અને તમારી સામે પણ ઝુકવાના નથી.”
ચૈતર વસાવાએ ચેતવણી આપી કે, “નર્મદા ડેમનું પાણી કચ્છ-સૌરાષ્ટ્ર સુધી જાય છે, પણ ઉકાઈ અને કરજણ ડેમના વિસ્થાપિતોને હજુ ન્યાય નથી મળ્યો. જો નર્મદા, છોટાઉદેપુર અને દાહોદના આદિવાસી વિસ્તાર સુધી પાણી નહીં પહોંચે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરાવવાની લડત ચલાવીશું.” તેમણે અનુસૂચિત પાંચમો વિસ્તાર કાયદો અને પેસા કાયદો લાગુ કરાવવા, જંગલની જમીન, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય માટે લડત ચાલુ રાખવાની ખાતરી આપી.
ઈસુદાન ગઢવી: ૨૦૨૭માં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “આજે નર્મદામાં લોકોની સરકાર બની છે. જે રીતે લોકોનો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે, એ જ રીતે ૨૦૨૭ની ચૂંટણીમાં પણ જનતા આશીર્વાદ આપશે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.”
કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ રાજુભાઈ સોલંકી, પ્રવીણ રામ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
