News of Tuesday, 7th July 2026
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનુ ઝડપાયું : અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 98.78 લાખનું 729 ગ્રામ સોનું જપ્ત કરાયું
મહિલાએ આ 22 કેરેટ સોનું પર્સ અને કપડાંમાં છુપાવ્યું હતું. કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ નોંધીને અધિકારીઓએ આગળની કાયદાકીય કાર્યવાહી અને તપાસ હાથ ધરી .

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગ દ્વારા સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અબુધાબીથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું સોનું જપ્ત કર્યું છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મહિલાએ સુરક્ષા તપાસમાંથી બચવા માટે સોનાને ખૂબ જ ચાલાકીથી છુપાવ્યું હતું. મહિલાએ સોનાના દાગીના તેના અંગત પર્સ તેમજ કપડાંની અંદર ખાસ રીતે સંતાડ્યા હતા. જોકે, એરપોર્ટ પર તૈનાત કસ્ટમ્સના અધિકારીઓની સતર્કતાને કારણે આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો.
કસ્ટમ્સ વિભાગે આ કાર્યવાહી દરમિયાન કુલ 729 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરવામાં આવેલ આ સોનું 22 કેરેટના દાગીના હતા. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ, જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે 98.78 લાખ રૂપિયા થવા જાય છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ, કસ્ટમ્સ એક્ટ અંતર્ગત આ તમામ સોનાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
ઘટના બાદ કસ્ટમ્સ વિભાગે મહિલાની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં કસ્ટમ્સના અધિકારીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને શોધવા માટે પણ તપાસ કરી રહ્યા છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
