News of Tuesday, 27th October 2026
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનું બાળ સુરક્ષા સેવા સંકલ્પ સંમેલન : સુરક્ષિત બાળક, સશક્ત સમાજ,સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ
બાળક સુરક્ષિત હશે તો પરિવાર સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવો સંદેશ : ડિજિટલ યુગમાં બાળકોમાં વધતી સ્થૂળતા અને સાયબર બુલિંગ સામે પુસ્તક વાંચન અને લાઈબ્રેરીના ઉપયોગ પર ભાર મુકાયો : 'બાળ મિત્ર' એપ, નવી વેબસાઈટ અને બાળ અધિકાર માર્ગદર્શિકાનું લોન્ચિંગ

ગાંધીનગર તા.27 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ઉપક્રમે "સુરક્ષિત બાળક, સશક્ત સમાજ, સમૃદ્ધ રાષ્ટ્ર" ની નેમ સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું 'બાળ સુરક્ષા સેવા સંકલ્પ સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, બાળકો માત્ર દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત 2047' ના સંકલ્પને સાકાર કરવા માટે દેશના દરેક બાળકનું સુરક્ષિત, શિક્ષિત અને સંસ્કારી હોવું અનિવાર્ય છે. બાળપણને અમૂલ્ય ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, બાળ સુરક્ષા એ માત્ર કાયદાકીય બાબત નથી, પરંતુ સમાજ, શાળા, પરિવાર અને સરકારની સામૂહિક જવાબદારી છે.
વધુમાં મંત્રી ડૉ. વાજાએ વર્તમાન સમયમાં ડિજિટલ સાયબર સુરક્ષા, 'ગુડ ટચ-બેડ ટચ' ની સમજણ અને ચાઈલ્ડ હેલ્પલાઈન-1098 અંગે જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. વાલીઓને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ બાળકો સાથે સતત સંવાદ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે, જેથી બાળકો ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક બાળકને ભયમુક્ત, શોષણમુક્ત અને સમાન તકોથી સભર વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વર્ષ-2026ની સુધારેલી 'ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી' નું લોન્ચિંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વની સાબિત થશે. વર્તમાન ડિજિટલ યુગના પડકારો પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગ અને સ્માર્ટફોનની લતને કારણે બાળકોમાં વધતી જતી સ્થૂળતા, સાયબર બુલિંગ અને માનસિક તાણ જેવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે બાળકોમાં પુસ્તક વાચનની ટેવ કેળવવા, લાઈબ્રેરીનો ઉપયોગ વધારવા અને વાલીઓએ બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બાળ લગ્નના દરમાં ઘટાડો થયો છે. નાની વયે થતા લગ્નોને કારણે બાળકીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે, જેનાથી કુપોષણ અને માતા-બાળ મૃત્યુદરમાં વધારો થાય છે. આ કુરિવાજને ડામવા માત્ર કાયદાકીય પગલાં જ નહીં પરંતુ સામાજિક જાગૃતિ અને 'બાલિકા પંચાયત' જેવા અભિગમો દ્વારા દીકરીઓને વધુ શિક્ષિત અને સશક્ત બનાવવી જરૂરી છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ડૉ. ધર્મિષ્ઠાબેન ગજ્જરે સ્વાગત ઉદ્દબોધન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોના હસ્તે બાળ અધિકારો અંગે જાગૃતિ લાવવા આયોગની નવી વેબસાઈટ અને 'બાળ મિત્ર' મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળ અધિકારો અંગે માર્ગદર્શન પૂરું પાડતી બાળ અધિકાર માર્ગદર્શિકાનું વિમોચન અને વિઝન ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે આધુનિક AI ગ્લાસીસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓ, રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર બાળ પ્રતિભાઓ અને બાળ અધિકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 'બાળ મિત્રો' નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બાળ સંભાળ સંસ્થાઓના બાળકો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા અને સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ હર્ષદકુમાર પટેલ, આયોગના સચિવ ડૉ. ડી. ડી. કાપડિયા, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન હેડ રવિકાન્ત શર્મા, ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેક્શનના નેશનલ સચિવ મનીષ શર્મા, સમાજ સુરક્ષા વિભાગના નિયામક ડૉ. રીના ચૌધરી, UNICEF ગુજરાતના હેડ અદ્વૈતા મરાઠે સહિત આયોગના સભ્યો અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ, કમલેશ રાઠોડ, ડૉ. વિષ્ણુભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
