News of Thursday, 4th June 2026
રાજ્યમાં ' ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ અત્યાર સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત:દસ્તાવેજોની ચકાસણી બાદ દેશ નિકાલ કરાશે
સમગ્ર રાજ્યમાં અલગ અલગ ટીમો બનાવીને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ: રાજ્યભરમાં 30થી વધુ ખાસ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન

ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ ચલાવવામાં આવેલી વિશેષ ડ્રાઈવમાં અત્યાર સુધી કુલ 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં અલગ અલગ ટીમો બનાવીને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરે માહિતી આપી કે આ ઓપરેશન માત્ર બે દિવસ પહેલાં શરૂ થયું હતું. રાજ્યભરમાં 30થી વધુ ખાસ ટીમો બનાવવામાં આવી હતી. જેમણે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઓળખી અને અટકાયત કરી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ઘણા બાંગ્લાદેશી નાગરિકો એજન્ટોના માધ્યમથી ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ પશ્ચિમ બંગાળના સરનામાનો ઉપયોગ કરીને ખોટા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરાવતા હતા. હવે આવા એજન્ટો અને દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર લોકોની ભૂમિકા પણ પોલીસ તપાસ હેઠળ છે.
અટકાયત કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસર રીતે તેમને ગુજરાતમાંથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કેટલીક મહિલાઓ સ્પા સેન્ટરોમાં કામ કરતી હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્ય પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
