<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

વ્યારામાં SMC ત્રાટકી: દાદાજી ચોક પાસે પતરાના કેબીન નીચે ચાલતા વરલી મટકાના જુગારધામ પર રેઇડ, ૭ ઝબ્બે, ૫ ફરાર

​ ​ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમનો દરોડો: રૂ. ૪૦ હજારની રોકડ, ૧૨ મોબાઈલ અને વાહન મળી રૂ. ૧.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ​સ્થળ પરથી ફોન મૂકીને ૪ આરોપી ભાગી છૂટ્યા: સ્થાનિક વ્યારા પોલીસ મથકે કુલ ૧૨ શખ્સો સામે ગુનો દાખલ

​વ્યારા: રાજ્યમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાથ બાંધવા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ઝુંબેશ અંતર્ગત વ્યારા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર SMCની ટીમે ત્રાટકી મોટી કાર્યવાહી કરી છે. દાદાજી ચોક નજીક પતરાના કેબીન નીચે ચાલી રહેલા આ જુગારધામમાંથી SMC એ ૭ જુગારીઓને રોકડા રૂપિયા, મોબાઈલ અને વાહન સાથે ઝડપી પાડ્યા છે.  

​મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક દ્વારા ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને SMCના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચાવડા અને તેમની ટીમે તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા મગદુમ નગર, કાકરાપાર રોડ પર દાદાજી ચોક પાસે પતરાના કેબીન નીચે ખુલ્લી જગ્યામાં ચાલતા વરલી મટકાના જુગાર પર અચાનક દરોડો પાડ્યો હતો.  

​SMCની રેઇડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂ. ૪૦,૦૫૧/-, ૧૨ નંગ મોબાઈલ ફોન, ૧ વાહન તેમજ વરલી મટકાના જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. ૧,૩૮,૦૫૧/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.  
​દરોડા દરમિયાન SMC એ ૭ આરોપીઓની સ્થળ પરથી અટકાયત કરી છે, જેમાં (૧) સુમીતભાઈ બાબુભાઈ રોકડે, (૨) રાજેશભાઈ બાબુભાઈ ચૌધરી, (૩) રાજકપુર ધરમવીર ચૌધરી, (૪) આનંદભાઈ ઈશ્વરભાઈ રાણા, (૫) શૈલેષ મનુભાઈ ગામીત, (૬) સલીમભાઈ હુશેનભાઈ કાકર અને (૭) મેહુલ જયંતીભાઈ ગામીતનો સમાવેશ થાય છે.  
​જ્યારે અન્ય ૫ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં જીગ્નેશભાઈ રામુભાઈ ઢીમ્મર (માછી) તેમજ દરોડા સમયે સ્થળ પર પોતાના મોબાઈલ ફોન મૂકીને નાસી છૂટેલા ૪ અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. આ તમામ ૧૨ આરોપીઓ વિરુદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨(અ) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:06 PM IST)