<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

SMC ની મોટી કાર્યવાહી : નડિયાદના સહયોગ હોટલ પાસે દરોડા: ટ્રકમાંથી 5940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો

- પ્લાસ્ટિકની બોરીઓની આડમાં છુપાવેલો આ જથ્થો અને ટ્રક મળી કુલ ₹ 56.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માલિક અને દારૂ મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : રાજ્યમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સક્રિય એવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ફરી એકવાર મોટી સફળતા મેળવવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં નેશનલ હાઇવે 48 પર બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.

ઘટનાની વિગત મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નડિયાદના સહયોગ હોટલના પાર્કિંગ વિસ્તારમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે, જેમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માહિતીને પગલે SMC ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ટ્રકમાં પ્લાસ્ટિકની બોરીઓની પાછળ અત્યંત ચતુરાઈથી છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

 

 

પોલીસે ટ્રકની સઘન તપાસ કરતા તેમાંથી કુલ 5940 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઓપરેશનમાં પોલીસે દારૂ ઉપરાંત ટ્રક (ગાડી નંબર GJ-25-U-9898) ને પણ કબ્જે કરી હતી. જપ્ત કરાયેલ દારૂ અને ટ્રકની કુલ અંદાજિત કિંમત ₹ 56,48,396 જેટલી થવા જાય છે.

 

 

આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટ્રકના માલિક અને દારૂનો આ જથ્થો મોકલનાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કેવી રીતે અને કોના માટે લાવવામાં આવ્યો હતો, તે દિશામાં પોલીસ હવે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

 

(1:46 PM IST)