News of Thursday, 1st October 2026
શંકરસિંહ અને કોંગ્રેસના કિસ્સામાં ‘ભઈને કોઈ દેતું નથી ને બુનને કોઈ લેતું નથી' જેવો ઘાટ
બાપુને લઈને કોંગ્રેસે કશું ખોવાનું નથી કેમ કે કોંગ્રેસ પાસે ખોવા જેવું કશું નથી. એ રીતે બાપુના કારણે જે પણ ફાયદો થાય એમાં કોંગ્રેસ માટે વકરો એટલો નફો જ છે : અત્યારે બાપુ પાસે પોતાની કહેવાય એવી કોઈ મતબેંક નથી ને પોતાનો પ્રભાવ હોય એવો કોઈ મતવિસ્તાર નથી એ જોતાં બાપુ કોંગ્રેસને માથે પડે એવી શક્યતા વધારે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હજુ વરસની વાર છે પણ અત્યારથી રાજકીય સોગઠાં ગોઠવાવા માંડ્યાં છે. ભાજપે જામી પડેલા ને ખાઈ બદેલા નેતાઓને સ્થાને નવા મુરતિયાઓની ખોજ આદરી છે તો કોંગ્રેસે આમ આદમી પાર્ટી પોતાનાથી આગળ ના નિકળી જાય એ માટે આવડે એવી બાજી ગોઠવવા માંડી છે ને તેમાં કોંગ્રેસના નેતાઓની નજર જૂના જોગી શંકરસિહ વાઘેલા બાપુ પર ઠરી છે. શંકરસિહે પોતે નવરાત્રિના સપરમા દિવસોમાં કોંગ્રેસમાં જોડાવાનો સંકેત આપ્યો છે તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ બાપુ સાથે વાતચીત ચાલુ હોવાની વાત કરી છે એ જોતાં ચોકઠું ગોઠવાઈ જવાનાં એંધાણ છે.
આ ચોકઠું બંનેના ફાયદામાં છે કેમ કે શંકરસિહ અને કોંગ્રેસના કિસ્સામાં ‘ભઈને કોઈ દેતું નથી ને બુનને કોઈ લેતું નથી' જેવો ઘાટ છે. શંકરસિહે ૨૦૧૭માં અહમદ પટેલને હરાવવા માટે બગાવત કરીને કોંગ્રેસ છોડી પછી જાત જાતના ઉધામા કરી જોયા ને પોતાના તંબુ પણ તાણી જોયા પણ મેળ પડ્યો નથી. કોંગ્રેસમાં હતા ત્યારે તો ચાર લોકો ભાવ પણ પૂછતા પણ કોંગ્રેસ છોડ્યા પછી શંકરસિહની હાજરી સોશ્યલ મીડિયા સિવાય કશે રહી નથી. જૂના ભાયાતોને સહારે એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરતા રહીને ને નાના નાના કાર્યક્રમો કરીને બાપુ ગાડુ ગબડાવ્યા કરે છે પણ તેમનો કોઈ પ્રભાવ રહ્યો નથી.
શંકરસિહ વાઘેલાએ ૨૦૧૭માં કોંગ્રેસથી નોખા થયા પછી જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી. એ વખતે બાપુએ ગુજરાતના રાજકારણમાં અલગ રાજકીય વિકલ્પ ઊભો કરવાની મોટી મોટી વાતો કરેલી પણ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જન વિકલ્પ પાર્ટીએ સાવ ધોળકું ધોળેલું ને એક પણ બેઠક જીતી શકી નહોતી. બાપુની પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થતાં બાપુના દાંડિયા સાવ ડૂલ થઈ ગયેલા.
બાપુએ એ પછી શરદ પવારનો હાથ ઝાલ્યો અને ૨૦૧૯માં એનસીપીમાં જોડાયા. શરદ પવારે બાપુને રાષ્ટ્રીય મહામંત્રી બનાવેલા પણ ગમે તે કારણોસર બાપુને શરદ પવાર સાથે સોર્યું નહીં તેમાં ૨૦૨૦માં એનસીપીમાંથી રાજીનામું આપીને આઝાદ થઈ ગયા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં બાપુ બહુ ગાજેલા પણ છેવટે પાણીમાં બેસી ગયેલા ને ચૂંટણી નહોતા લડ્યા. ૨૦૨૪માં ફરી સળવળાટ થયો હશે એટલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી નાંખી.
છેલ્લાં બે વર્ષથી આ પાર્ટીના બેનર હેઠળ બાપુ નિવેદનબાજી કર્યા કરે છે પણ કોઈ નોંધ લેતું નથી. એક જમાનામાં બાપુ પાસે વફાદાર સમર્થકોનો વર્ગ હતો પણ બાપુનાં નાટકોના કારણે વફાદારો પણ રહ્યા નથી ને સમર્થકો પણ રહ્યા નથી. બાપુ પોતાના બે-ત્રણ ટૂણટૂણિયાઓને લઈને હું, બાવો ને મંગળદાસ કરીને પાર્ટી ચલાવ્યા કરે છે પણ નથી બાપુનો પ્રભાવ કે નથી તેમની પાર્ટીનો કોઈ પ્રભાવ. મોટા ભાગનાં ગુજરાતીઓને તો આવો કોઈ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવે છે ને બાપુ હવે સક્રિય છે એ જ ખબર નથી.
કોંગ્રેસની હાલત બાપુ કરતાં જરાય સારી નથી. બાપુની જેમ કોંગ્રેસ પાસે પણ વફાદાર કાર્યકરો પણ નથી ને નેતાઓ પણ નથી. એક જમાનામાં કોંગ્રેસ ભરતસિહ સોલંકી, અર્જુન મોઢવડિયા, શક્તિસિહ ગોહિલ ને સિધ્ધાર્થ પટેલ એ ચાર નેતાઓની આસપાસ ઘૂમરીએ ફર્યા કરતી. મોઢવાડિયા થાકીને ભાજપમાં જતા રહ્યા પછી તેમના સ્થાને અમિત ચાવડા ગોઠવાઈ ગયા એટલો ફરક પડ્યો છે, બાકી કશું બદલાયું નથી.
અમિત ચાવડા પોતે ભાજપની આંધી ખાળીને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા ખરા પણ મદડાલ કોંગ્રેસને ફરી બેઠા કરવાની તેમનામાં તાકાત નથી. વાંક અમિત ચાવડાનો નથી પણ તેમના રાજકીય પૂર્વજોનો છે. અહમદ પટેલનું ગુજરાતનું રજવાડું સાચવવા એ લોકોએ કોંગ્રેસને સાવ ખોખલી કરી નાંખી તેમાં કાર્યકરો જ રહ્યા નથી. અમિત ચાવડા લડી રહ્યા છે પણ લાકડાની બુઠ્ઠી તલવારથી. ભાજપની તોપો સામે આ બુઠ્ઠી તલવાર કઈ રીતે ચાલે?
કોંગ્રેસની બીજી તકલીફ સતત થઈ રહેલી હિજરત છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સાવ શરમજનક દેખાવ કરીને ૧૮૨માંથી માત્ર ૧૭ બેઠકો જીતી પછી શરૂ થયેલી હિજરતને કોંગ્રેસ રોકી શકી નથી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ત્યારે કોંગ્રેસ પાસે ફરી બેઠા થવાની તક હતી પણ કોંગ્રેસે કોઈ આયોજન ના કર્યું તેમાં તક રોળાઈ ગઈ. અત્યારે હાલત એ છે કે, કોંગ્રેસનો કોઈ પણ નેતા જે કંઈ મહેનત કરે એ ભવિષ્યમાં ભાજપની પોતાના પર નજર પડે ને પોતાનો ઉદ્ધાર થઈ જાય એ ગણતરીએ જ કરે છે. કોંગ્રેસ માટે કોઈ કશું કરતું જ નથી.
કોંગ્રેસ માટે નવી આફત આમ આદમી પાર્ટી પણ છે. આપના કારણે ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયેલું ને ભાજપને ભારે ફાયદો થયેલો. આપને ગણીને પાંચ બેઠકો જ મળેલી પણ લગભગ ૧૨ ટકા મતો મેળવીને ભાજપ વિરોધી મતોમાં મોટું ગાબડું પાડેલું. કોંગ્રેસ ભાજપનો તોડ શોધી શકી નથી ત્યાં હવે આપનો તોડ શોધવાની નવી આફત આવીને પડી છે. આપ પાસે ગુજરાતમાં મોટું સંગઠન નથી કે આખા ગુજરાતને પ્રભાવિત કરી શકે એવો કોઈ નેતા પણ નથી પણ સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયા અને આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા જેવા થોડાક નેતાઓએ ભાજપ સામે જબરદસ્ત લડાયકતા બતાવી રહ્યા છે તેના કારણે કોંગ્રેસનો રહ્યોસહ્યો ગરાસ પણ લૂંટાઈ જવાનો ખતરો છે.
આ માહોલમાં શંકરસિહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને શું ફાયદો થાય એ સવાલ છે. શંકરસિહે ગુજરાતમાં ભાજપના પૂર્વાવતાર જનસંઘ અને પછી ભાજપને પણ મજબૂત કરવામાં મોટું યોગદાન આપ્યું છે તેનો ઈનકાર ના થઈ શકે. ક્ષત્રિય અને ઠાકોર મતદારોને ભાજપ તરફ વાળવામાં બાપુની મોટી ભૂમિકા છે એ ભાજપે પણ સ્વીકારવું પડે પણ એ ભૂતકાળ છે. અત્યારે બાપુ પાસે પોતાની કહેવાય એવી કોઈ મતબેંક નથી ને પોતાનો પ્રભાવ હોય એવો કોઈ મતવિસ્તાર નથી એ જોતાં બાપુ કોંગ્રેસને માથે પડે એવી શક્યતા વધારે છે. બાપુ ખટપટિયા માણસ પણ છે ને પહેલાં ભાજપ ને પછી કોંગ્રેસને ઝાઝા જુહાર રાજકીય ખટપટોના કારણે જ કરવા પડેલા. કોંગ્રેસમાં પાછા આવશે એટલે બાપુ ખટપટો તો કરશે જ તેથી જૂથબંધી પણ વધશે.
અલબત્ત ‘ના મામા કરતાં કાણો મામો સારો' એ હિસાબે કોંગ્રેસ બાપુને લાલ જાજમ પાથરીને આવકારી શકે. કોંગ્રેસમાં કોઈ નથી આવતું તેના કરતાં બાપુ તો બાપુ, આવ્યા તો ખરા એમ માનીને કોંગ્રેસ રાજી થઈ શકે. બાપુને લઈને કોંગ્રેસે કશું ખોવાનું નથી કેમ કે કોંગ્રેસ પાસે ખોવા જેવું કશું નથી. એ રીતે બાપુના કારણે જે પણ ફાયદો થાય એમાં કોંગ્રેસ માટે વકરો એટલો નફો જ છે તેથી કોંગ્રેસ બાપુને લઈ શકે. રાજકારણમાં ચમત્કારો બનતા હોય છે એ હિસાબે બાપુ અત્યારે ભલે પતી ગયેલી પાર્ટી લાગતા હોય પણ છેલ્લે છેલ્લે ચમકારો બતાવીને કોંગ્રેસને ફાયદો કરાવી જાય એવું બને.
(સાભારઃ ભરત ભારદ્વાજ, મુંબઈ સમાચાર)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
