News of Saturday, 24th October 2026
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ અમદાવાદમાં ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી : “ગાંધીજીના જીવન, લખાણો અને માનવતા માટેના તેમના યોગદાનને વિશ્વ સમક્ષ રજૂ કરતા આ મહત્વપૂર્ણ કેન્દ્રની મુલાકાત લેવી એ મારે માટે અતિ સૌભાગ્યની વાત
ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને સત્ય-અહિંસાના મૂલ્યોને બિરદાવ્યા, સ્કોટલેન્ડના નેશનલ રેકોર્ડ્સમાં સચવાયેલા ગાંધીજીના પત્રોની કોપી આશ્રમને એનાયત કરી : પ્રાર્થનાભૂમિ, વિનોબા કુટીર, મીરાં કુટીર, આર્કાઇવલ અને એક્ઝિબિશનની મુલાકાત લઈને પ્રભાવિત થયા

અમદાવાદ તા.24 : સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિની સહિતના ડેલિગેશને આજે અમદાવાદ ખાતે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમા તથા તૈલચિત્રને પુષ્પાંજલિ અને સુતરની આંટી અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયાને નિહાળી હતી તથા સ્વયં રેંટિયો ચલાવીને કાંતણ પ્રક્રિયા સમજી હતી.
આ પ્રસંગે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર દ્વારા ગાંધી બાપુ દ્વારા સ્કોટલેન્ડના લોર્ડને લખાયેલા પત્રોની કોપી સાબરમતી આશ્રમને એનાયત કરવામાં આવી હતી. સામે ગાંધી આશ્રમ દ્વારા લોર્ડ લુથિયન દ્વારા બાપુને લખાયેલ પત્રની કોપી સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરને એનાયત કરવામાં આવી હતી.
જોન સ્વિનીએ ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાનાં મૂલ્યો અંગે ઊંડો આદરભાવ વ્યક્ત કર્યો હતો.
આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું હતું કે, “ગાંધીજીના જીવન, લખાણો અને માનવતા માટેના તેમના યોગદાનને વિશ્વ સમક્ષ રજૂ કરતા આ મહત્વપૂર્ણ કેન્દ્રની મુલાકાત લેવી એ મારે માટે અતિ સૌભાગ્યની વાત છે. નેશનલ રેકોર્ડ્સ ઓફ સ્કોટલેન્ડ ખાતે સચવાયેલા મહાત્મા ગાંધીજીના પત્રો આ આશ્રમ સાથે શેર કરવાનો મને અત્યંત આનંદ અને ગૌરવ છે.”
તેમણે પ્રાર્થનાભૂમિ, વિનોબા કુટીર, મીરાં કુટીર, આર્કાઇવલ અને એક્ઝિબિશનની મુલાકાત લઈ ગાંધીજીના જીવનદર્શન અને વિચારોથી પ્રભાવિત થયા હતા.
આ મુલાકાત વેળાએ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન રેમ્યા મોહન, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મમતા હિરપરા, આશ્રમ ટ્રસ્ટના નીતિન શુક્લ, મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન આઈ. પી. ગૌતમ અને OSD આઈ. કે. પટેલ સહિત સાબરમતી આશ્રમના ટ્રસ્ટીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
