<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી નહીં મળે : સરકારનો લેખિત આદેશ : એક વર્ષ વરસાદ ખેંચાતા ભાજપના વિકાસના દાવાનો ભાંડો ફૂટ્યો : શહેરોમાં પાણી-વીજળી કાપ શરૂ તો ઉનાળામાં શું થશે ? ગોપાલ ઇટાલિયા

સૌની યોજનાના નામે ભૂંગળા, મશીનો અને સિમેન્ટના બહાને અબજો રૂપિયા ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કમાઈ ચૂક્યા છે, જ્યારે ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ તા.૨૫ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સૌની યોજનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર છે કે સરકારે લેખિત આદેશ બહાર પાડીને જળાશયોમાંથી સિંચાઈનું પાણી નહીં મળે તેવી જાહેરાત કરી છે.

 

ગોપાલ ઇટાલિયાએ પત્ર બતાવતા જણાવ્યું કે, સૂચનામાં સ્પષ્ટ લખાયું છે કે સૌની યોજના હેઠળના કમાન્ડ વિસ્તારની તમામ કાર્યરત સિંચાઈ મંડળીઓ અને ખેડૂતોને જાણ કરી દેવી કે જળાશયોમાં માત્ર પીવાના પાણીને પ્રાથમિકતા અપાશે, સિંચાઈનું પાણી મળશે નહીં.

 

તેમણે કહ્યું કે 30 વર્ષથી ભાજપ સરકાર ચલાવે છે, પરંતુ એક જ વર્ષ વરસાદ ન આવતા વિકાસના દાવાનો ભાંડો ફૂટી ગયો છે. અત્યાર સુધી ભગવાન સમયસર વરસાદ મોકલતા હોવાથી સરકાર ચાલતી હતી. હવે શિયાળામાં જ અમદાવાદ સહિત શહેરોમાં પીવાના પાણી અને વીજળીના કાપ શરૂ થઈ ગયા છે.

 

ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે સૌની યોજનાના નામે ભૂંગળા, મશીનો અને સિમેન્ટના બહાને અબજો રૂપિયા ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કમાઈ ચૂક્યા છે, જ્યારે ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી.

 

તેમણે વધુમાં જણાવ્યું કે કેશુભાઈ પટેલની કલ્પસર યોજનાને હાલની કેન્દ્રની ભાજપ સરકાર આગળ વધવા દીધી નથી. ભાજપના પોતાના મંત્રીઓ અને ધારાસભ્યોના વિસ્તારોમાં પણ પાણી નહીં મળે તેવો આદેશ કરાયો છે.

 

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામડે ગામડે તળાવ, વોકળે ચેકડેમ અને નદીએ મોટા ડેમ બનાવવા જરૂરી છે. સરકારે દરેક ગામને 1 કરોડ રૂપિયા ફાળવી સ્થાનિક સ્તરે જળસંચયના કામો કરવાની છૂટ આપવી જોઈએ.

 

ભાજપ નથી ઈચ્છતી કે કાઠિયાવાડના લોકો સ્વાવલંબી બને, તેથી જ તેને ઓશિયાળા રાખે છે. સૌની યોજનાનું ગાજર બતાવી ખેડૂતોને વંચિત રખાયા છે અને હવે ખેડૂતો ભગવાન ભરોસે જીવવા મજબૂર બન્યા છે, તેમ ઇટાલિયાએ જણાવ્યું હતું.

(3:14 PM IST)