News of Thursday, 30th July 2026
સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મળશે
બોપલ, ઘૂમા, શેલા અને શિલજવાસીઓ હવે કાલુપુર કે સાબરમતી જવાની જરૂર નહીં પડે : 17 ઓગસ્ટથી વંદે ભારત એક્સપ્રેસ હવે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ :બોપલ, ઘૂમા, શેલા અને શિલજ સહિત પશ્ચિમ અમદાવાદના શહરીજનો માટે રેલવે તંત્ર દ્વારા એક અત્યંત રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ અને ઓખા વચ્ચે દોડતી પ્રખ્યાત વંદે ભારત એક્સપ્રેસને હવે આંબલી રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. પશ્ચિમ અમદાવાદના મુસાફરો માટે આ સુવિધા પ્રથમ વખત ઉપલબ્ધ બની રહી છે, જેનાથી હજારો લોકોને કાલુપુર કે સાબરમતી સ્ટેશન સુધી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ટ્રેન નંબર 22925/22926 સાબરમતી (જેલ સાઇડ)–ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ 2026થી નવી ટાઈમટેબલ અને નવા સ્ટોપેજ સાથે પાટા પર દોડતી જોવા મળશે.
આ નિર્ણય હેઠળ રેલવેએ ટ્રેનના પ્રારંભિક અને સમાપન સ્ટેશનમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે આ ટ્રેન અમદાવાદ જંકશન (કાલુપુર) ને બદલે સાબરમતી (જેલ સાઇડ - SBT) સ્ટેશનથી ઉપડશે અને ત્યાં જ પોતાની મુસાફરી પૂર્ણ કરશે. આ ફેરફારના કારણે ઉત્તર અને પશ્ચિમ અમદાવાદના રહીશોને ટ્રેનમાં બેસવા માટે વધુ સુગમતા રહેશે.
આંબલી રોડ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળવાને કારણે બોપલ, શેલા, ઘૂમા, શિલજ, બોડકદેવ અને એસ.જી. હાઈવે આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સીધો જ ફાયદો થશે. અત્યાર સુધી આ વિસ્તારોના લોકોને વંદે ભારત ટ્રેન પકડવા માટે ટ્રાફિકમાંથી પસાર થઈને કાલુપુર કે સાબરમતી જવું પડતું હતું, જેમાં ખાસ્સો સમય વેડફાતો હતો. હવે સ્થાનિક સ્ટેશને જ સ્ટોપેજ મળતા મુસાફરોનો કિંમતી સમય અને પેટ્રોલનો ખર્ચ બંને બચશે.
રેલવે પ્રશાસને નવા ટાઈમટેબલનો અમલ 17 ઓગસ્ટ 2026થી કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી હાલની જૂની ટાઈમ-ટેબલ વ્યવસ્થા યથાવત્ રહેશે.
- ટ્રેન નંબર 22925 (સાબરમતી-ઓખા): 15 ઓગસ્ટ 2026 સુધી હાલની વ્યવસ્થા મુજબ ચાલશે.
- ટ્રેન નંબર 22926 (ઓખા-સાબરમતી): 16 ઓગસ્ટ 2026 સુધી વર્તમાન સમય-સારણી અનુસાર દોડશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે ટ્રેનના આગમન અને ઉપડવાના ચોક્કસ સમય તેમજ સ્ટોપેજ અંગેની અદ્યતન માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ enquiry.indianrail.gov.in અથવા NTES એપની મુલાકાત લેવી.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
