News of Wednesday, 23rd September 2026
‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૫૮૩.૮૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો કરાશે
તા.૨૪ સપ્ટેમ્બરે વાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ, બોડકદેવમાં નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત અને ઘુમામાં ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદને કરોડોના પ્રજાલક્ષી કામોની ભેટ મળશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ શહેરમાં રૂ.૫૮૩.૮૫ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
આ મુખ્ય કાર્યક્રમ તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯:૫૦ કલાકે બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ રૂ.૨૭૯.૮૦ કરોડના ૬ કામોનું લોકાર્પણ અને રૂ.૩૦૪.૦૫ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને આવાસ સંબંધિત લાભ તેમજ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે.
દિવસભરના વિવિધ કાર્યક્રમોનું આયોજન:
‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૩૦ કલાકે વાડજમાં આગાખાનની ગલી પાસે, વેલકમ હોટલ સામે વાડજ ફ્લાયઓવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. ત્યારબાદ સવારે ૧૦:૪૫ કલાકે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. સવારે ૧૧:૦૦ કલાકે ઘુમાની એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
રૂ.૨૭૯.૮૦ કરોડના ખર્ચે ૬ કામોનું થશે લોકાર્પણ:
૧. વાડજ જંકશન ફોર લેન ફ્લાયઓવર બ્રિજ: પશ્ચિમ ઝોનમાં AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રૂ.૧૨૭.૯૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ફોર લેન ફ્લાયઓવર બ્રિજ.
૨. વેજલપુર ફોર લેન રેલવે ઓવરબ્રિજ: દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-૨૪ અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર રૂ.૯૮.૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ઓવરબ્રિજ.
૩. થલતેજ EWS આવાસો: TP-૩૯ થલતેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૨૨.૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૩૨૯ EWS આવાસો.
૪. ફાયર બ્રિગેડ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ: ફાયર સ્ટેશનો માટે રૂ.૧૯.૭૪ કરોડના ખર્ચે ખરીદાયેલા ૧૫ નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV).
૫. બોટ વિથ એન્જિન: ઈમરજન્સી કામગીરી માટે રૂ.૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર ૧૦ નંગ બોટ વિથ એન્જિન.
૬. શાહીબાગ આવાસ અને દુકાનો પુનઃવસન: TP સ્કીમ નં.૧૪ (શાહીબાગ) ના ‘પખાજીનો કૂવો’ વિસ્તારમાં રૂ.૭.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ૧૦૮ આવાસો અને ૪૬ દુકાનોનું પુનઃવસન.
રૂ.૩૦૪.૦૫ કરોડના ખર્ચે ૬ કામોનું થશે ખાતમુહૂર્ત:
૧. રામાપીર ટેકરા રોડ નેટવર્ક: પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા L.A.P. વિસ્તારમાં રૂ.૭૨.૭૮ કરોડના ખર્ચે રોડ નેટવર્ક વિકાસ.
૨. અમરાઈવાડી ડ્રેનેજ લાઈન રિહેબિલિટેશન: દક્ષિણ ઝોનમાં નાગરવેલ હનુમાન મંદિરથી ગુરુજી બ્રિજ સુધીની ૧૮૦૦ મીમી વ્યાસની હયાત ડ્રેનેજ લાઈનનું રૂ.૬૫.૫૧ કરોડના ખર્ચે રિહેબિલિટેશન.
૩. વટવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન: નવાણા ખાતે રૂ.૬૧.૮૧ કરોડના ખર્ચે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઈઝિંગ લાઈન.
૪. નિકોલ AMTS/BRTS ચાર્જિંગ સ્ટેશન: પૂર્વ ઝોનમાં TP-૧૧૦ (નિકોલ-કઠવાડા) ખાતે રૂ.૬૧.૮૯ કરોડના ખર્ચે બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ પ્લોટ ડેવલપમેન્ટ.
૫. ત્રાગડ બસ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસ.પી. રિંગ રોડ પર ૧૯,૮૯૬ ચો.મી. પ્લોટમાં રૂ.૨૮.૦૮ કરોડના ખર્ચે બસ પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર.
૬. સાબરમતી નદી પૂર્વ કિનારો ટુરિઝમ ટેમ્પલ સર્કિટ: AMC હેરિટેજ વિભાગ દ્વારા સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને રૂ.૧૩.૯૮ કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાની કામગીરી.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ તથા દિનેશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
