તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ભુવનેશ્વરમાં રોડ-શો યોજાયો : સેમિકન્ડક્ટર, ઓટોમોટિવ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં સહયોગની તકો પર ભાર
બેટા હેડિંગ - ભુવનેશ્વરની વિવાંતા હોટેલ ખાતે ગુજરાતની ઔદ્યોગિક તાકાત રજૂ કરાઈ : ઉદ્યોગ મંત્રી ડો. જયરામ ગામિતની ઉપસ્થિતિ : ગુજરાત અને ઓડિશા વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીને નવી ગતિ મળશે

ભુવનેશ્વર તા.23 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ભુવનેશ્વરમાં રોડ-શો યોજાયો હતો અને રોડ-શોમાં ઔદ્યોગિક સહયોગ માટેની તકો પર ભાર મુકાયો હતો. ભુવનેશ્વરની વિવાંતા હોટેલ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના રોડ-શોમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી. રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ માટે નવી તકો શોધવા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ ભેગા થયા હતા.
રોડ શો પહેલાં ગુજરાત સરકારના મંત્રી ડો. જયરામ ગામિત તેમજ ગુજરાત સરકારના લેબર, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગના સેક્રેટરી લોચન શેહરા અને ગુજરાતના અન્ય મહાનુભાવોએ ભુવનેશ્વરની અગ્રણી સંસ્થાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકમાં જીંદાલ સ્ટેઈનલેસ સ્ટીલ લિ.ના રેસીડેન્સ ડિરેક્ટર શશીભૂષણ ઉપાધ્યાય, CASPC ઓડિસાના ચીફ કોર્પોરેટ સ્ટ્રેટેજીસ્ટ પાર્થા પટનાઈક, વેલસ્પનના CEO અને ડિરેક્ટર સુભાષચંદ્રા શાહુ, અવાડા એનર્જીના પ્રિયદર્શની મોહપાત્રા, ક્યોરબેના કો-ફાઉન્ડર અને CEO સંતોષી શાહુ, વર્લ્ડ સ્કીલ સેન્ટરના SDTE અને COO રશ્મિ શાહુ, NALCO ના ડિરેક્ટર જગદીશ અરોરા સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત અને ઓડિસા વચ્ચે ઔદ્યોગિક સહકાર, ઉભરતી ટેક્નોલોજી અને સંભવિત ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રોડ શોમાં લેબર, સ્કીલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ વિભાગના સેક્રેટરી લોચન શેહરા દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના અનુભવો અને મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
સેમિનારને સંબોધતા ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રી અને MSMEs રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિતે બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મુક્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઓડિસાએ મીનરલ, મેટલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે જ્યારે ગુજરાત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે. મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવીને આપણે નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ આપણા સામુહિક પ્રયાસો વિકસિત ભારત 2047 તરફની યાત્રાને વધુ મજબૂત બનાવશે.
ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17 ટકા અને માલસામાન નિકાસમાં 25 ટકા યોગદાન આપે છે. આ સંદર્ભમાં ચર્ચા દરમિયાન ઓડિસાની સ્થાપિત ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમને ગુજરાતની ઉભરતી સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાની તકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગર ખાતે વિકસિત ગુજરાત શેપિંગ ગ્લોબલ ફ્યુચર થીમ હેઠળ યોજાશે, જે ઉદ્યોગો, નીતિઓ બનાવનાર અને ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ હેઠળ લાવશે. ભુવનેશ્વરનો આ રોડ શો ગુજરાત અને ઓડિસા વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને માત્ર વાતચીત પૂરતા સીમિત ન રાખતા અર્થપૂર્ણ વ્યવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની એક ઉત્તમ તક સાબિત થયો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
