<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા અનિવાર્ય : ધોળા ગામે સનાતન ધર્મોત્સવમાં પૂ. મોરારીબાપુનું પ્રેરક ઉદ્બોધન

દ્વારકા શારદાપીઠના નારાયણનંદ સ્વામી અને ભાવનગર રાજવી પરિવારના જયવીરરાજસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ : કનુબાપુ બાદલ પરિવારે લીધેલી પગરખાં ન પહેરવાની ટેક સંતોની સાક્ષીએ પૂર્ણ થઈ

ઈશ્વરિયા:ઉમરાળા તાલુકાના ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા લીલાબાના સ્મરણાર્થે રવિવાર અને સોમવાર દરમિયાન વૈદિક સનાતન ધર્મોત્સવ અને શ્રી વિષ્ણુ મંડપ સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવ અને ઉમંગ સાથે યોજાયેલા આ ધર્મ પ્રસંગમાં ધર્માચાર્યો, ગાદીપતિઓ તેમજ સામાજિક અને રાજકીય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંપ્રત અરાજકતામાં સાધુમત અને વેદમત અનિવાર્ય: પૂ. મોરારીબાપુ

આ મહોત્સવમાં મુખ્ય પ્રેરક ઉદ્બોધન આપતા પૂ. મોરારીબાપુએ વૈદિક ધર્મના કારણે જળવાયેલી સુરક્ષાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંપ્રત સમયની અરાજકતા વચ્ચે સનાતન વૈદિક નિર્ણયોમાં સાધુમત અને વેદમતની અનિવાર્યતા છે. પૂ. બાપુએ કલ્યાણ મંડપ, લગ્ન મંડપ, યજ્ઞ મંડપ, ગગન મંડપ અને વિષ્ણુ મંડપનો મહિમા સમજાવતા સુંદર રૂપક પ્રસ્તુત કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા ખૂબ જ અનિવાર્ય અંગો છે.

ધાર્મિકતા માટે આડંબર નહિ, સંસ્કાર જરૂરી: નારાયણનંદ સ્વામી

દ્વારકા શારદાપીઠના નારાયણનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર અને ભારતભૂમિના સનાતન ધર્મ ગૌરવનો ઉલ્લેખ કરી જન્મદાતા માતા, ધરતી માતા અને ગાય માતાનો મહિમા વર્ણવ્યો હતો તેમજ બાળકોમાં ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂક્યો હતો. તેમણે ટકોર કરી હતી કે ધાર્મિકતા માટે આડંબર કે પ્રદર્શનની નહિ, પણ તેને ઘરથી જ પ્રગટ કરવાની જરૂર છે.

ગોહિલવાડ રાજવી પરિવારે નારીશક્તિને વંદન કર્યા

આ પ્રસંગે ગોહિલવાડ રાજવી પરિવારના જયવીરરાજસિંહ ગોહિલે રાજીપો વ્યક્ત કરતા ભાવનગરની ઉજ્જવળ સંસ્કાર પરંપરાને યાદ કરી હતી. તેમણે સૌને શારીરિક અને માનસિક ભાવના મજબૂત કરવા અનુરોધ કરવાની સાથે નારીશક્તિની વંદના કરી હતી. જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે, બોલવા કરતાં શું ન બોલવું તે કળા શીખવી વધુ જરૂરી છે અને વર્તમાન સમયમાં સૂત્ર નહિ પણ મંત્રની આવશ્યકતા છે, જે આવા ધર્માચાર્યો જ આપી શકે છે. ઉમરાળાના સરપંચ અને સાત્વિક ઉપાસક ધર્મેન્દ્ર હેજમે આવા ધાર્મિક આયોજનોથી સામાજિક સમરસતા વધતી હોવાનું જણાવ્યું હતું.

યજ્ઞમાં આહુતિઓ અપાઈ અને અનોખી ટેક પૂર્ણ થઈ

બાદલ પરિવારના કનુબાપુ બાદલ દ્વારા તમામ સંતો-મહાનુભાવોને ભાવપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે તેમની પગરખાં ન પહેરવાની વર્ષો જૂની ટેક સંતોની મંગલમય ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ હતી. વિષ્ણુ મંડપ યજ્ઞમાં ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજમાન દંપતીઓએ પવિત્ર આહુતિઓ અર્પણ કરી હતી.

આ ધર્મોત્સવમાં ઝીણારામજી મહારાજ, ભક્તિરામબાપુ, બાબુરામબાપુ, મૂકેશગિરિબાપુ, નિરંજનદેવગિરિજી, દેવલમાતા સહિત અનેક પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન અગ્રણી હરૂભાઈ ગોંડલિયા અને ભારતીબેન ભીંગરાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:00 PM IST)